
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાના પ્રાંત અધિકારી શ્રી પ્રિતેશ પટેલના અધ્યક્ષ સ્થાને તા. ૪થી નવેમ્બરના રોજ, આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઇ ચૌધરીની ઉપસ્થિતિમા ડાંગ જિલ્લા સેવા સદનના સભાખંડમા, આહવા તાલુકા સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી.
આ બેઠકમા આહવા તાલુકાના લાભાર્થીઓના આવાસ યોજનાના હપ્તા જમા કરવા, તેમજ પુર્વપટ્ટી વિસ્તારના ચિંચલી ખાતે કાયમી જમાદારની નિમણુક કરવા ઉપરાંત, પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ અંતર્ગત કોઈ લાભાર્થી કાર્ડ વિના રહી ન જાય તે માટે ઝુંબેશ હાથ ધરવા શ્રી સુરેશભાઇ ચૌધરીએ જણાવ્યુ હતુ.
આહવા ગ્રામ પંચાયતની ડમ્પીંગ સાઇટની જગ્યા પસંદ કરી યોગ્ય જગ્યાએ કચરાનો નિકાલ કરવો, તેમજ વન વિભાગના પ્રશ્નોનીના નિકાલની ચર્ચા પ્રાંત અધિકારી શ્રી પટેલ દ્વારા કરવામા આવી હતી.
વધુમા પ્રાંત અધિકારી શ્રી પ્રિતેશ પટેલે મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની ઝુંબેશ હાથ ધરવા જણાવ્યુ હતુ. જેમા કોઇ મતદાર રહી ના જાય તે માટે યુવાઓને VOTER HELPLINE એપ ડાઉનલોડ કરી, તેનો ઉપયોગ કરવા તેમજ વધુમા વધુ યુવા મતદારોને એપનો ઉપયોગ કરી નામ દાખલ કરવા કરવાની પ્રક્રિયા હાથ ધરવા માટે બી.એલ.ઓ.ની કામગીરીનુ નિરિક્ષણ કરવા સ્વીપ નોડલ અધિકારીશ્રી અને જિલ્લા શિક્ષણ અધિકારી વિજયભાઇ દેશમુખને જણાવ્યુ હતુ.
જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલ બેઠકમા વિવિધ વિભાગોના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.









