
12-જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી – કચ્છ
મુન્દ્રા કચ્છ :- વિશ્વમાં સનાતન હિન્દુ ધર્મની ધજા પતાકા ફરકાવી પોતાના ટૂંકા જીવનકાળ દરમ્યાન મહાન કાર્ય કરી અમર બની ગયેલ યુગ પુરુષ સ્વામી વિવેકાનંદના જન્મ દિવસ 12 જાન્યુઆરીના દિવસને દેશમાં સ્વામી વિવેકાનંદ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. નિરાશાથી ભરેલા જીવનમાં ઉર્જા ભરી દેનારા તેમના વિચારોને કારણે સ્વામીજીના જન્મદિવસને દેશભરમાં રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદના વિચારો હંમેશા યુવાઓને પ્રેરિત કરે છે, તેથી 1985માં ભારત સરકારે સ્વામીજીના જન્મદિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો હતો. સ્વામી વિવેકાનંદના ઓજસ્વી વિચારો દરેક વર્ગ, જાતિ અને ધર્મના લોકોને પ્રેરિત કરે છે.તાજેતરમાં મુન્દ્રાની બી.એડ. કોલેજમાં પણ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી નિમિત્તે ચાલુ વર્ષની થીમ “વિકસિત યુવા, વિકસિત ભારત” આધારિત રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોલેજના પ્રિન્સિપાલ ડો. એલ. વી. ફફલે સ્વામી વિવેકાનંદના કેટલાક પ્રસંગો વર્ણવીને તેમના જીવન ચરિત્રમાંથી ઉત્તમ ગુણો કેળવીને જીવન ઉન્નત બનાવવા વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા હતા. વિદ્યાર્થીઓએ પણ પ્રશ્નોત્તરી કરીને સ્વામીજી વિશે વધુ માહિતી મેળવી હતી. ખુશાલી રાજગોર, સંગીતા શર્મા અને ઘનશ્યામ ગઢવીએ વિવેકાનંદજી વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા.યુવા દિવસના ઉપલક્ષમાં કચ્છ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ તાલુકા કાનૂની સેવા સતા મંડળ મુન્દ્રા અને અધિવકતા પરિષદ મુન્દ્રા શાખાના સંયુક્ત ઉપક્રમે કાનુની શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.








