KUTCHMUNDRA

મુન્દ્રાની બી.એડ.કોલેજમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે વાર્ષિકોત્સવની ઉજવણી કરાઈ

૨૧-એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ

કોલેજના ક્લાર્ક શશીકાંત નાંઢાને વયનિવૃત્ત થતા વિદાયમાન અપાયું

“સાયબર ક્રાઈમ” અને “તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં” નાટકે યુવાનોને મનોરંજન સાથે માહિતી પૂરી પાડી

મુન્દ્રા કચ્છ :- મુન્દ્રાની આર. ડી. એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એસ. ડી. શેઠીયા બી.એડ. કોલેજમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સાથે કોલેજના ક્લાર્ક શશીકાંત નાંઢાને વયનિવૃત્ત થતા વિદાય આપવામાં આવી હતી. દીપ પ્રાગટ્ય અને સ્વાગત ગીત બાદ સમારંભના અધ્યક્ષ કોલેજના પ્રિન્સિપાલ ડો. લાલજીભાઈ વી. ફફલે પ્રસંગ પરિચય આપતા સરળ વ્યક્તિત્વ અને સેવાપરાયણતાથી સૌના હૃદયમાં આગવું સ્થાન મેળવનાર મૂળ અમરેલીના અને કચ્છને કર્મભૂમિ બનાવનાર શશીકાંતભાઈની 35 વર્ષની સેવા ભાવના સાથે કરેલ કામગીરીને બિરદાવતા શાળામિત્રથી સંસ્થાના સહકર્મી સુધીની સફરના સંસ્મરણો વાગોળતા નિવૃત્ત જીવન તંદુરસ્ત અને નીરોગી રીતે પસાર થાય એવી શુભેચ્છાઓ પાઠવી હતી. વિદાય સમારંભમાં આર.ડી. એજ્યુકેશન ટ્રસ્ટના વ્યવસ્થાપક સમિતિના ખજાનચી હિંમતભાઈ ગણાત્રા, સહમંત્રી સુનિલભાઈ મહેતા તથા સચિનભાઈ ગણાત્રા અને કોલેજના પ્રોફેસર ડો. કૈલાશભાઈ નાંઢા, ડો. દિનેશભાઈ પટેલ, ડો. હિતેશભાઈ કગથરા, કમલાબેન કામોલ, નેહાબેન ઠકકર ભૂતપૂર્વ સિનિયર ક્લાર્ક રાજુભાઇ જાની, વિમલભાઈ જોબનપુત્રા તથા તાલીમાર્થી ભાઈ – બહેનો ઉપસ્થિત રહી પ્રશસ્તિપત્ર અને મોમેન્ટો આપીને તેમનું સન્માન કર્યું હતું. વિદાય લઇ રહેલા શશીકાંતભાઈએ સંસ્થા અને સ્ટાફ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.કોલેજના બીજા વર્ષના વિદાય લઈ રહેલા તાલીમાર્થીઓનું બે વર્ષ દરમિયાન કરેલ શ્રેષ્ઠ કામગીરી અને વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થવા બદલ ટ્રોફી અને પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. તથા પ્રથમ વર્ષના તાલીમાર્થીઓ દ્વારા વાર્ષિકોત્સવની રંગારંગ ઉજવણીમાં સમૂહ ગીત, નૃત્ય અને નાટક રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં “સાયબર ક્રાઈમ” અને “તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં” નાટકે યુવાનોને મનોરંજન સાથે માહિતી પૂરી પાડી હતી. ગુજરાતી અને હિન્દી વિભાગના તાલીમાર્થીઓ દ્વારા તૈયાર કરેલ સ્વરચિત અંકનું વિમોચન કરવામાં આવ્યું હતું. વિદાય લેતા તાલીમાર્થીઓએ કોલેજ પ્રત્યે ઋણ અદા કરતા ભેટ આપીને પોતાના પ્રતિભાવો આપતા આભારની લાગણી વ્યક્ત કરી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન તિતિક્ષાબેન પ્રકાશભાઈ ઠકકર અને હેમાંશીબેન રાજેશભાઇ ચૌહાણએ કર્યું હતું જયારે આભારવિધિ રિયાબેન પરેશભાઈ ડુડિયાએ કરી હતી.

[wptube id="1252022"]
Back to top button