
વિશ્વનું સોથી મોટું કૌભાંડ કહેવાય એવી ઈલેક્ટોરલ બોન્ડ સ્કિમની વિગતો બહાર આવ્યા બાદ એ મુદ્દો ભૂલાવવા કે ડાયવર્ટ કરવાના સરકારના અનેક પ્રયાસો બાદ પણ એમાંથી દરરોજ આશ્ચર્ય પામી જવાય એવા લાખો – કરોડોના કૌભાંડો બહાર આવતા જાય છે. હવે ઈલેક્ટોરલ બોન્ડમાં પ્રથમ દૃષ્ટિએ જ ગુજરાતનું સૌથી મોટું કહી શકાય એવું કૌભાંડ સામે આવી રહ્યું છે. અંજારના વરસામેડી ગામના ખેડૂત પરિવારના નામે ઈલેક્ટોરલ બૉન્ડના માધ્યમથી 2022માં અંદાજે 11 કરોડ 99 લાખ જેટલી તોતિંગ રકમ ભાજપ અને શિવસેનાને આપવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને ઈલેક્ટોરલ બૉન્ડ વિગતો ચૂંટણી પંચને આપવાની ફરજ પડી હતી. ચૂંટણી પંચે બૉન્ડના દાતાઓ અને એ બૉન્ડને વટાવનારી કરાવનારી રાજકીય પાર્ટીઓની યાદી પોતાની વેબસાઈટ પર મુકી છે. એ યાદીમાં વરસામેડી ગામના સવાભાઈ મણવર અને તેમના પરિવારજનોના નામે 115 જેટલા બોન્ડ્સ ખરીદાયા હોવાની નોંધ છે. યુનિક નંબરથી મેચ કરતા એ બોન્ડ્સ ભાજપ અને શિવસેના દ્વારા એનકેશ કરાયા હોવાનું જાણવા મળે છે. સાથે જ પરિવાર દ્વારા ગુજરાત ગ્રામીણ બેન્કમાં ખાતુ હોવા છતા એક્સિસ બેન્કમાં 6 જેટલા નવા ખાતાઓ ખોલાવ્યાનું પણ જાણવા મળ્યું છે. એટલું જ નહીં ચૂંટણી પંચે જાહેર કરેલા બોન્ડ ખરીદનારની યાદીમાં પાના નંબર 324થી તમામના નામની વિગતો જોવા મળી રહી છે.
આ મામલે સવાભાઈ દ્વારા અંજાર પોલીસ મથકમાં વેલસ્પન કંપનીના અધિકારી મહેન્દ્રસિંહ સોઢા તેમજ સ્ટેટ બેંકના અધિકારીઓ સામે છેતરપિંડીની અરજી કરવામાં આવી છે. જેમાં જમીન સંપાદનના રૂપિયાના છેતરપિંડીથી બૉન્ડની ખરીદી કરાવી દાન કરાવી દેવાયાના આક્ષેપો કરાયા છે.
સવાભાઈના પરિવાર પાસે આટલા બધાં રૂપિયા આવ્યા ક્યાંથી અને તે ઈલેક્ટોરલ બોન્ડમાં ગયા કેવી રીતે એ વિશે GSTVએ તેમના પુત્ર રમેશ મણવરનો સંપર્ક કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ‘ઈલેક્ટોરલ બોન્ડ શું છે એ અમે જાણતા હોત તો આ દિવસ જોવાનો આવે ખરો? કંપનીવાળાએ એ લોકો થ્રુ અપાવ્યું છે, કોઈ સારાભલા માણસને નથી ખબર કે આ ઈલેક્ટોરલ બોન્ડ શું છે… તો મારા બાપા તો સાવ અભણ માણસ છે એમને થોડી ખબર હોય! એમને તો ઓલાએ કીધું હતું કંપનીવાળા સાહેબે કે તમારા ખાતામાં પૈસા પડ્યા રહેશે તો તમને ઈન્કમટેક્સની નોટિસો આવશે, તો પહેલા ઈન્કમટેક્સ નોટિસ આવી ગઈ હતી, ઈન્ક્વાયરી આવી હતી. તો બાપાને થોડો ભય લાગ્યો કે ના આ સાચી વાત છે. બાપા અંગુઠાછાપ છે, કંઈ ભણેલા નથી, ખાલી સહી કરતા આવડે છે.’
“વેલસ્પન કંપની અને તેના 2-3 જણા ટીમવાળાએ કીધું કે, તમે આમાં SBI ગાંધીનગમાં બોન્ડ તરીકે રાખશોને તો દોઢી રકમ થશે. આ રીતે ફોસલાવીને પાવરનામા પર સહી કરાવી લીધી, અને કેવી રીતે શું ગોટો વાળ્યો મને પણ ખબર નથી પડી. બહુ ચાલાકીથી અનેછેતરપિંડીથી આ કામ કર્યું છે. આમાં તો ભણેલા ગણેલા માણસો હોય એ પણ છેતરાઈ જાય, ઈલેક્ટોરલ બોન્ડ શું હોય અને કેવી રીતે થાય આપણને શું ખબર યાર. બાપાને નામે ચેક દીધેલા અને એમણે કીધું ‘ના સાહેબ કે એ બરોબર’ તો એમાં આપણું હાલે ક્યાં?”
“કોઈ સરકારી અધિકારી કે રાજકીય વગ ધરાવતો વ્યક્તિ આમાં સામેલ નથી એ તો બધી કહેવાની વાતો છે. મેઈન તો આ કંપની વેલસ્પનવાળાએ જ કર્યું છે, આપણે જે છે એ હકીકત કહીએ. બાકી આમાં નથી કોઈ રાજકારણી કે કોઈ સરકારી અધિકારી આમાં આપણે કોઈ ભાજપ-કોંગ્રેસને વચ્ચે તણાય નહીં. આ સમગ્ર પ્રકરણમાં વેલસ્પન જવાબદાર છે. એણે જ ઠગબાજી કરી છે. આ તો ઓનલાઈન જોયું તો ખબર પડી કે આ તો તમારા પૈસા ભારતીય જનતા પાર્ટીમાં ગયા. લાખ રૂપિયા કોઈને આપવા હોય તો ઓટીપી આપવા પડે, તમે વિચાર કરો કે આમાં ઓટીપી-બોટીપી કંઈ નહીં અને આખા અગિયાર કરોડ પાવરનામાથી ઉપડી ગયા એટલે? ઈન્કમટેક્સ નોટિસોમાં બાપા હજી દોડી રહ્યા છે. કારણ કે અગાઉ જે વ્હાઈટ પૈસા આપેલા છે એના માથે ઈન્કમટેક્સની નોટિસો આવેલી છે.”
“હવે આ ભાજપમાં ગયા કે ગમે તે રાજકીય પાર્ટીને દીધા કે અધિકારીને દીધા, ખપાવી દીધા હોય એ લોકોની મેટર છે. પણ હવે મારુ માનવું એ છે કે, આ ગેરકાયદેસર ષડયંત્ર કરીને લીધા છે તો એ લોકો ભૂલ સ્વીકારીને પૈસા પાછા આપી દે તો આખી મેટર જ પતી જાય. આ મામલે પોલીસમાં ફરિયાદ મોકલાવી છે હવે એને તપાસ કરવાની છે. હવે આગળ પોલીસે ધ્યાન આપવાનું છે. અમે તો ખેડૂત માણસો છીએ તો આવા પ્રકરણોમાં તમારા જેવા પત્રકાર મિત્રોએ જ આમા મદદરુપ થવું જોઈએ. આ જમીનની સમગ્ર બાબતમાં વેલસ્પનના અધિકારી મહેન્દ્ર સિંહ સોઢા પહેલાથી ઈન્વોલ્વ છે. એમણે જોઈ લીધું કે આ અનુસૂચિત જાતિના લોકો છે, દલિત છે. આગળ કંઈ કરી શકશે નહીં. વર્ષોથી આવો અત્યાચાર અમારા માથે થતો આવ્યો છે.”
કોના નામે કેટલા બોન્ડ ખરીદાયા
- ભચીબેન – 1,07,22,000
- દેવલબેન મણવર – 1,12,68,000
- લખીબેન રાઠોડ – 1,07,68,000
- હીરીબાઈ હરીજન – 1,07,68,000
- સવાભાઈ મણવર – 5,50,06,000
- દેવાભાઈ મણવર – 1,14,36,000
કોણે કેટલા વટાવ્યા
- ભાજપ – 11 કરોડ
- શિવસેના – 99 લાખ 4 હજાર








