
મદન વૈષ્ણવ
પ્રાપ્ત માહિતી અનુસાર તાજેતરમાં જ ડાંગ જિલ્લા પંચાયતમાં વિવિધ સમિતિનાં અધ્યક્ષોની પસંદગી કરવામાં આવી હતી.જે સમિતિઓમાં ચેરમેન તરીકેનાં દાવેદાર શ્રી સંપ્રદાય તરીકે ઓળખાતી સંસ્થાનાં વરિષ્ઠ ધર્મ પ્રચારક અને ભાજપી નેતા મુરલીધર બાગુલ પણ હતા.ડાંગ જિલ્લાનાં ગડદ જિલ્લા પંચાયત સીટ પરથી ભાજપનાં ચિન્હ પરથી ચૂંટાયા હતા. અને તેઓ જિલ્લા પંચાયતના વિવિધ વિભાગોની સમિતિમાં ચાવીરૂપ હોદ્દા માટેના દાવેદારોમાંના એક હતા.વધુમાં ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે તેમને વન-ઓન-વન મીટિંગ દરમિયાન જે કહ્યુ હતુ તે મુજબ તેમને હાલની અઢી વર્ષનાં ટર્મ માટે કોઈપણ એક સમિતીમાં અઘ્યક્ષ પદ આપવાનું આશ્વાસન અપાયુ હતુ.પરંતુ છેલ્લી ઘડીએ તમામ જિલ્લા પંચાયતની સમિતીનાં હોદ્દા પર કોંગ્રેસમાંથી ભાજપામાં આવેલાઓની પસંદગી ઉતારવામાં આવી હતી.પરંતુ શ્રી સંપ્રદાયના આગેવાન મુરલીધર બાગુલને અઘ્યક્ષ પદનો હોદ્દો ન અપાતા સમગ્ર ડાંગ જિલ્લા અને તેની આજુબાજુના જિલ્લા વલસાડ અને નવસારીનાં શ્રી સંપ્રદાય પરિવારોમાં રોષ જોવા મળી રહ્યો છે.જેથી શ્રી સંપ્રદાયનાં પ્રમુખ રામદાસભાઈ ગવળીએ કહ્યુ કે અમારા શ્રી સંપ્રદાયના ભક્તો નારાજ છે કે જો અમારા સંપ્રદાયના નેતા મુરલીધર બાગુલને ટુંક સમયમાં કોઈ કોર્પોરેશનના ચેરમેન કે ડિરેક્ટરનું પદ આપવામાં નહીં આવે તો લોકસભાની ચૂંટણીમાં અમે શાસક પક્ષનાં વિરૂદ્ધમાં મતદાન કરવા પણ અચકાશુ નહી.અને આગામી દિવસોમાં ભાજપાને પાઠ શીખવી આપીશુ. તેમણે વધુમાં કહ્યું કે અમે કોઈ રાજકીય સંગઠન નથી પરંતુ અમે હંમેશા હિન્દુત્વની ભાવનાથી ભાજપને સમર્થન આપ્યું છે.પરંતુ ભાજપ તે સમર્થન ભૂલી ગઈ છે.અને તેમને કોઈ પદ આપી શકે તેમ નથી.અમારા સંગઠનના નેતાને કોઈ પદ આપવામાં આવ્યુ નથી.જો તેઓ અમારા અગ્રણી નેતાને નહીં પણ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા જિલ્લાના સભ્યોને હોદ્દા આપતા હોય તો હવે સમય આવી ગયો છે. કે આપણે ભાજપને આપણું મૂલ્ય બતાવીએ તેમ તેમણે ગર્વ સાથે જણાવ્યું હતુ.આ જણાવવું જરૂરી છે કે ડાંગ જિલ્લામાં 30થી 35 હજાર લોકો, નવસારી જિલ્લામાં આશરે 15%, વલસાડ જિલ્લામાં લગભગ 20%,શ્રી સંપદાયનાં અનુયાયીઓ છે. જે એક મજબૂત હિન્દુ સંગઠન તરીકે જાણીતુ છે. અને જે હંમેશા ભાજપને સમર્થન આપે છે. આ તમામ જનતા જાણે છે કે જો ભાજપ નજીકના ભવિષ્યમાં આ સંગઠનથી દૂર જશે તો આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપને મોટો ફટકો પડી શકે છે.કારણ કે વલસાડ લોકસભા બેઠકમાં ડાંગ જિલ્લાના તમામ ગામો અને વાંસદા,વલસાડ જિલ્લાના ધરમપુર, કપરાડા સેલવાસ વાપી અને આદિવાસી પટ્ટામાં મજબૂત સંગઠન ગણાતા શ્રી સંપદાયમાં મુરલીધર બાગુલનો સારો પ્રભાવ છે.આ સંગઠન આગામી દિવસોમાં શું અસર લાવી શકે છે તે તો આવનારો સમય જ કહેશે…





