KUTCHMANDAVI

વડાપ્રધાનશ્રી ખેડૂતોની બમણી આવકનું સપનું સાકાર કરતા કચ્છના ખેડૂતો

૨૪-એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ

પ્રાકૃતિક ખેતીમાં પાકનું મૂલ્યવર્ધન કરીને કચ્છના ખેડૂતોને રાહ ચીંધતા વરઝડી તથા કોટડા(રોહા)ના કિસાનો.

ઝીરો બજેટ ખેતી સાથે જંતુનાશક દવા મુકત પાકના વાવેતર બાદ જાતે જ વિવિધ પ્રોડકટ બનાવીને બજારમાં વેચાણ કરે છે.

બજારમાં સીઝન દરમિયાન ઓછા ભાવે પાક વેંચવાની પળોજણ તથા પાક બગડવા સહિતની ચિંતામાંથી મુક્તિ.

પ્રાકૃતિક ખેતી કરતા અન્ય ખેડૂતો પાસેથી વરઝડીના મણીલાલભાઇ માવાણી તથા હરિસિંહ જાડેજા માલ ખરીદીને અન્ય કિસાનોને આપી રહ્યા છે પ્રોત્સાહન.

માંડવી કચ્છ :- આજના સમયમાં કેમિકલયુકત ખેતીથી થતા નુકશાનની સામે પ્રાકૃતિક ખેતીનું મહત્વ વધતું જાય છે ત્યારે માંડવી તાલુકાના વરઝડીના કિસાન મણીલાલ ભાઇ માવાણી તથા કોટડા(રોહા)ના હરિસિંહ જાડેજા કચ્છના અન્ય ખેડૂતો માટે દાખલારૂપ કામગીરી કરી રહ્યા છે. ન માત્ર પ્રાકૃતિક ખેતી કરે છે પરંતુ ઉત્પાદીત પાકોનું મૂલ્યવર્ધન કરીને બમણી કમાણી કરીને અન્ય કિસાનો માટે નવી રાહ ચિંધી રહ્યા છે.

છેલ્લા ૧૨ વર્ષથી ઝીરો બજેટ સાથે પ્રાકૃતિક ખેતી કરતા મણીલાલભાઇ આત્મા સાથે સંકળાઇને આખા ગુજરાતમાં વિવિધ સ્થળે તાલીમ પ્રાપ્ત કરીને વરઝડીમાં અવનવા પાકનું સફળ ઉત્પાદન કરી રહ્યા છે.

તેઓ જણાવે છે કે, આજના સમયમાં ખેતીમાં જતુંનાશક દવા તથા રાસાયણિક ખાતરનું પ્રમાણ વધી રહ્યું છે. જેના કારણે ખેડૂતોને ઉત્પાદન સામે મોટો ખર્ચ ચૂકવવો પડે છે. ઉપરાંત બજારમાં મૂલ્ય ઓછા હોય તો પાક સાવ સસ્તા ભાવે વેચવા મજબૂર થવું પડે છે. આમ,કિસાનોને ફાયદો ઓછો અને નુકસાન વધુ થાય છે. ઉપરાંત જમીન પણ દિવસે દિવસે કસ વગરની થતા ગુણવત્તા વગરના પાક સાથે લોકોને હાનિકારક જતુંનાશક સાથેના પાક મળે છે. આમ, સમગ્ર પર્યાવરણ સાથે લોકોના સ્વાસ્થ્યનું અહિત થઇ રહ્યું છે. ત્યારે ખેડૂત, પર્યાવરણ અને લોકોના લાભ માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર ઉપાય છે. જેમાં લાભલાભ જ છે.તેઓ કહે છે કે, તેઓ જંતુનાશક દવાનો ઉપયોગ નથી કરતા તેના બદલે બીજામૃત , નિમાસ્ત્ર , જીવામૃત , વર્મી કમ્પોસ્ટ ખાતર વગેરેનો ઉપયોગ કરે છે. જે તમામ તેઓ લીમડાના પાન, ગોળ, છાશ, ગૌમુત્ર વગેર પ્રોડકટમાંથી વાડીમાં જ બનાવે છે. આમ, તેઓને ખાતર કે જતુંનાશક માટે એકપણ રૂપિયાનો ખર્ચ થતો નથી. અગાઉ વર્ષો પહેલા જયારે તેઓ રાસાયણિક ખેતી કરતા ત્યારે તેઓને દોઢ લાખનું બિલ ચુકવવું પડતું હતું. જેની આજે સીધી બચત થઇ રહી છે.ઉપરાંત તેઓ દ્વારા તેની ૮ એકરની ખેતીમાં કેસર કેરી, નારીયેળ, ખારેક, જામફળ, હળદર, આદુ, ધાણા, સરગવો, લસણ, ડુંગળી, પપૈયા, ઘાસચારો, શાકભાજી વગેરેનું વાવેતર કરે છે. આ તમામ પ્રાકૃતિક પાકનું બજારમાં વેચાણ કરવાના બદલે સીધુ વાડીમાંથી વેચાણ કરે છે . તેમજ તેનું મૂલ્યવર્ધન કરવા તેઓ વિવિધ મસાલા પ્રોડકટ બનાવીને વાડીમાંથી જ વેચાણ કરી રહ્યા છે.મણીલાલભાઇ ઉમેરે છે કે, હાલ તે અને તેનો પરીવાર વાડીમાં જ ફુદીનાનો પાઉડર, મીઠા લીમડાનો પાઉડર, હળદરનો પાઉડર, શાકનો મસાલો, મમરાનો મસાલો, કેરીનો પલ્પ, સૂંઠનો પાઉડર, લસણનો પાઉડર, સરગવાનો તથા તેના પાનનો પાઉડર, ચાનો મસાલો, ધાણાનો પાઉડર વગેરે બનાવીને તેનું વેચાણ કરી રહ્યા છે.જેનાથી તેઓને બમણો ફાયદો થઇ રહયો છે. ઝીરો બજેટ ખેતી હોવાથી ઉત્પાદનમાં ખર્ચ નથી. ઉપરાંત બજારમાં સીઝનમાં નીચાભાવે વેચાણ કરવાના બદલે તેઓ જાતે જ બાયપ્રોડકટ બનાવીને ગ્રાહકોને સીધુ વેચાણ કરતા નફો થઇ રહ્યો છે.તેઓ જણાવે છે કે, કચ્છના કિસાનો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે સમયની માંગ છે. સરકાર દ્વારા આ ખેતી કરવા માટે આત્મા મારફતે તાલીમ સહિત વિવિધ સહાય પણ આપવામાં આવે છે. જેથી ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીની દિશામાં કદમ બઢાવવાની જરૂર છે.જયારે કોટડા(રોહા)માં કેરી અને બિજોરાની પ્રાકૃતિક ખેતી કરતા ૪૭ વર્ષીય હરિસિંહ રાજકિશોરસિંહ જાડેજા જણાવે છે કે, આજે કેમિકલયુકત ખેતીના ઉત્પાદન થકી લોકોનું સ્વાસ્થ્ય કથળી રહ્યું છે. ત્યારે પ્રાકૃતિક ખેતી જ માનવજાતને બીમારીમાંથી બચાવવાનો એક માત્ર ઉપાય છે. છેલ્લા ૬ વર્ષથી તેઓ આ ખેતી તરફ વળ્યા છે. સરકાર મારફતે અપાતી વિવિધ તાલીમ પણ લેતા રહે છે. તેઓ ન માત્ર પ્રાકૃતિક ખેતી કરે છે પરંતુ ખુદના ઉત્પાદનનું મૂલ્યવર્ધન કરી તેમાંથી વિવિધ ખાણી-પીણીની ચીજો બનાવી તેનું પોતાના ગાંધીધામ ખાતેના આઉટલેટ પર વેચાણ કરે છે.તેઓ જણાવે છે કે, હાલ તેઓ આંબામાંથી પલ્પ, આંબાનો રસ વગેરે પેકેજિંગ કરીને વેંચે છે જેમાં કોઇપણ જાતના પ્રિઝર્વેટીવ ,સુગર વગેરે હોતા નથી. આ સાથે ૧૦ પ્રકારના આમપાપડ, જેલી, આઇસક્રીમ, કુલ્ફી, કેસર આમ પેંડા, જયૂસ, મિલ્ક શેક, ગોટલીનો મુખવાસ, બિજોરાનું અથાણું, વિવિધ મિઠાઇ, બિલ્વફળ જયુસ, કેસૂડાના ફુલ, વગેરેનું વેચાણ કરે છે. સાથે પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદિત કરેલી મગ દાળ, ચણા દાળ, દેશી ગાયનું ઘી, ગુંદ, વગેરેનું પણ તેઓ દ્વારા વેચાણ કરવામાં આવે છે. તેઓ જણાવે છે કે, ખાણી-પીણીની કોઇપણ ચીજમાં કૃત્રિમ કલર,એસેન્સ વગેરેનો ઉપયોગ કરવામાં આવતો નથી.તેઓ ઓનલાઇન અને ઓફલાઇન બંને વેચાણ કરતા હોવાથી તેઓને ઝીરો બજેટ ખેતી સામે અનેકગણો નફો થઇ રહ્યો છે. ગત વર્ષે તેઓએ પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદીત કરેલી કેરીનું પ્રતિકિલો રૂ. ૩૦૦ના રેકોર્ડબ્રેક ભાવે આખા ભારતમાં વેચાણ કર્યું હતું છતાં પણ માંગ સામે માલ ખુટી પડયો હતો. હરિસિંહ કચ્છ તથા ગુજરાતના સમગ્ર ખેડૂતોને અનુરોધ કરતા જણાવે છે કે, કેમીકલયુકત ખેતીના ખર્ચ તથા અન્ય રીસ્ક સામે પ્રાકૃતિક ખેતી લાભદાયક તથા પર્યાવરણ માટે અનુકુળ છે. આ ઉપરાંત બજારમાં લોકોમાં જાગૃતિના કારણે મોં માંગ્યા દામ પણ મળી રહે છે. અથવા કિસાનો જાતે પોતાના પાકનું મૂલ્યવર્ધન કરીને મબલક કમાણી કરી શકે છે જરૂર છે માત્ર સાહસ અને ધૈર્યની.

[wptube id="1252022"]
Back to top button