૧૫-જૂન.
વાત્સલ્યમ્ સમાચાર
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ
ભુજ કચ્છ :- ગુજરાત સંભવિત બિપરજોય વાવાઝોડાનો સામનો કરવા માટે ‘ઝીરો કેઝ્યુલીટીના અભિગમને વળગી રહીને યુદ્ધના ધોરણે અગમચેતીના પગલા સાથે સજ્જ છે. નાગરિકોમાં વાવાઝોડા સંદર્ભે સાચી હકીકત તેમજ સાવચેતી પગલાં-જાગૃતિ ફેલાવવા માટે મીડિયાના પ્રતિનિધિઓ દ્વારા સતત જે કામગીરી કરવામાં આવી રહી છે તે બદલ રાજ્ય સરકાર તમામ માધ્યમોનો આભાર વ્યક્ત કરે છે. પરંતુ, વાવાઝોડાનું રિપોર્ટીંગ કરવા માટે ગ્રાઉન્ડ પર ઉપસ્થિત મીડિયા કર્મીઓની સલામતી-સુરક્ષા માટે સાથો સાથ ચિંતિત પણ છે.આથી તમામ મીડિયા-માધ્યમોને જણાવવાનું કે, વાવાઝોડાની ગંભીરતા સમજીને ખૂબજ કાળજીપૂર્વક અને સાવચેતીના તમામ પગલાંઓ સાથે પોતાના પ્રતિનિધિઓને ગ્રાઉન્ડ રીપોર્ટીંગ માટે મોકલવા વિનમ્રતા પૂર્વક અનુરોધ છે.વધુમાં વાવાઝોડાથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં સ્થાનિક જિલ્લા વહીવટીતંત્રના સંકલનમાં રહીને માહિતી ખાતાની ટીમો મીડિયા કર્મીઓને જરૂરી માહિતી ઉપલબ્ધ કરાવવા માટે સતત પ્રયત્નશીલ છે.આથી, હવામાન વિભાગની આગાહી મુજબ વાવાઝોડા દરમિયાન ભારેથી અતિભારે પવન ફૂંકાવાની તેમજ વરસાદની સંભાવના ધ્યાને રાખીને અસરગ્રસ્ત જિલ્લાઓમાં મીડિયા કર્મીઓને ફરજો સોંપવામાં સંપૂર્ણ તકેદારી રાખવામાં આવે એ માટે પુન: આગ્રહપૂર્વક વિનંતી છે. સાથોસાથ, ગ્રાઉન્ડ પર ફરજ બજાવતા મીડિયાકર્મીઓ પણ સ્થાનિક વહીવટીતંત્રની સૂચના અનુસાર સાવચેતીપૂર્વક કામ કરે તેમજ મનાઈ ફરમાવેલા સ્થળો પર રિપોર્ટીંગ કરવા ન જાય તે સુનિશ્ચિત કરવા વિનંતી છે.







