PRAISA સોફ્ટવેરથી શિક્ષકોના પગાર તથા એરીયર્સ બીલોની ચૂકવણીમાં પડતી મુશ્કેલીઓનું નિરાકરણ ન થતાં જિલ્લા લેવલે
————————————
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વિકાસ કમિશ્નરને રજૂઆત
——————–;—————
ભુજ તા. ૩
છેલ્લા ઘણા સમયથી PRAISA સોફ્ટવેરના કારણે છતી ગ્રાન્ટે શિક્ષકોના પગારમાં ખૂબ વિલંબ થાય છે. નવા સોફટવેરને લઈને રાજ્યભરમાં શિક્ષકોમાં વિરોધ જોવા મળે છે. વિવિધ જિલ્લા સંઘો મારફતે રાજ્ય સંઘ પાસે આ બાબતે રજૂઆત આવતા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વિકાસ કમિશ્નરને પત્ર લખીને આ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિવેડો ન આવતા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી સતિષ પટેલ દ્વારા PRAISA સોફટવેરનો વિરોધ કરવામાં આવ્યો છે.
આ બાબતે પત્રની વિગતો આપતા રાજ્યસંઘના ઉપપ્રમુખ હરિસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર PRAISA સોફટવેરથી સમગ્ર રાજ્યમાં પગાર કરવામાં આવે છે. PRAISA સોફ્ટવેરમાં પગાર બાબતે અનેક મુશ્કેલીઓ તો છે જ અને સોફ્ટવેર પણ ચાલતું નથી. ચાલે છે તો ધીમું ચાલે છે. શિક્ષકો મોડી રાત્રે ઉજાગરા કરી કામગીરી કરે છે તેમ છતાં સર્વરની સ્પીડ આવતી નથી તેમજ અન્ય પણ ઘણી ક્ષતિઓ આ સોફટવેરમાં રહેલી છે. હવે PRAISA સોફ્ટવેરમાં એરીયર્સ બીલ ચૂકવણીમાં પણ નવા પ્રશ્નો ઉભા થયા છે. PRAISA માં દરેક એરીયર્સ બીલનું જિલ્લામાં આંતરિક ઓડીટ PRAISA મારફતે થાય ત્યાર બાદ જ તાલુકા કક્ષાએથી બીલની ચૂકવણી થઈ શકે તેમ છે. શિક્ષકોના એરીયર્સના ઘણા બીલો દર મહિને બનતાં હોય છે. આ તમામ બીલનું જિલ્લા કક્ષાએ હિસાબી અધિકારીશ્રી દ્વારા PRAISA મારફતે આંતરિક ઓડીટ કરવાનું વાસ્તવિક રીતે યોગ્ય નથી. હાલ PRAISA ચાલે છે તે મુજબ તો આંતરિક ઓડીટમાં ઘણો સમય જાય તેમ છે. સમગ્ર રાજ્યમાં શિક્ષક મંડળીઓ પણ ચાલે છે જેની કપાત માટેની અલગથી કી પણ જે તે મંડળીઓને ન આપવાના કારણે લૉન કપાતમાં પણ મુશ્કેલી પડી રહી છે. ઘણા શિક્ષકોને L.I.C. તથા મકાન લૉનના હપ્તા પણ ભરવામાં મુશ્કેલી પડેલ છે તથા G.P.F. વ્યાજમાં પણ નુકસાન જાય છે.
આ બાબતે અગાઉ બે-ત્રણ વખત પત્રો લખી તથા રૂબરૂ મુલાકાતો કરી PRAISA સોફટવેરમાં પડતી મુશ્કેલીઓ બાબતે ચર્ચા કરવામાં આવેલ છે. તેમ છતાં પણ PRAISA સોફટવેરમાં પડતી મુશ્કેલીઓનો અંત આવતો નથી. જેથી ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા દરેક જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘોને જાણ કરી જિલ્લા લેવલે ફેબ્રુઆરી પેઈડ ઈન માર્ચ ૨૦૨૪ના પગારબીલ PRAISA સોફ્ટવેરમાં બનાવવાનો બહિષ્કાર કરવા જણાવવામાં આવેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે PRAISA સોફટવેરનો કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા સૌ પ્રથમ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જિલ્લા સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજા,મંત્રી કેરણા આહિરે રાંજ્ય સંઘને પત્ર લખી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.







