
૨૨-માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ
એક હજાર લોકોના આરોગ્યની સંભાળ રાખતી માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર એટલે આશા.
માંડવી કચ્છ :- તાલુકા હેલ્થ ઓફિસ માંડવી દ્વારા તાજેતરમાં રાજપૂત ક્ષત્રિય સમજવાડી ખાતે આશા સંમેલન યોજવામાં આવ્યો હતો. જેની શરૂઆત નગર અધ્યક્ષા હેતલબેન સોનેજી, કારોબારી ચેરમેન જીજ્ઞાબેન હોદારવાલા, તાલુકા પંચાયતના સામાજીક ન્યાય સમિતિના ચેરમેન જવેરબેન ચાવડા, સદસ્યા શિલ્પાબેન નાથાણી તથા તાલુકા આરોગ્ય અધિકારી ડો. કૈલાશપતિ પાસવાનના વરદ હસ્તે દીપ પ્રાગટય કરીને કરવામાં આવી હતી.આશા સંમેલનમાં માંડવી તાલુકાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ગ્રામ્ય વિસ્તારમાં એક હજાર લોકોના આરોગ્યની સંભાળ રાખતી માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર એવી આશા બહેનોની કામગીરીની પ્રસંશા કરી શ્રેષ્ઠ કામગીરી કરનાર આશા બહેનોને સન્માનિત કરવામાં આવી હતી. તથા આમંત્રિત મહેમાનો અને તબીબો દ્વારા આશા બહેનોને જરૂરી આરોગ્ય વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.તાલુકા હેલ્થ ઓફિસર ડો.પાસવાને જણાવ્યું હતું કે આશા એ સમુદાયે પસંદ કરેલી એક એવી મહિલા છે જેને તેના ગામમાં જ રહીને લોકોની આરોગ્ય સંભાળ અને સ્વાસ્થ્યપ્રદ આદતો કેળવવા અને તેમ કરીને સમુદાયના આરોગ્યની સ્થિતિમાં સુધારો લાવવાની કામગીરી કરવાની હોય છે. જ્યારે આશા ફેસિલીટેટર આશાના શિક્ષક, માર્ગદર્શક અને સલાહકારની ભૂમિકા ભજવતી હોય છે. ત્યારે માંડવી તાલુકાના લોકોની સુખાકારી માટે પ્રશંસનીય કામગીરી કરવા બદલ આજના સંમેલનમાં બહોળી સંખ્યામાં હાજર રહેલ આશા અને આશા ફેસિલીટેટર બહેનોને ડો. પાસવાને અભિનંદન આપ્યા હતા. આ સંમેલનમાં મેડિકલ ઓફિસર ડૉ.ફોરમ ગોડાસરા, ડૉ.ધર્મરાજ ગોહિલ, ડૉ.હાર્દિક પંડ્યા, ડૉ.અમીશી સંઘવી, ડૉ.અસ્વીની ફુફલ, ડૉ.ધીરજ ડુંગરખીયા તથા ડૉ.ઉર્વા અંતાણી હાજર રહ્યા હતા. જ્યારે સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા તાલુકા હેલ્થ સુપરવાઈઝર ઝેડ.પી.નાથાણી,રૂકસાનાબેન આગરીયા, શૈલેન્દ્રસિંહ ચાવડા,ગોપાલભાઈ ગઢવી વગેરે કર્મચારીઓએ સંભાળી હતી.તથા કાર્યક્રમનું સંચાલન નિર્મલ અસોડિયાએ કર્યું હતું.








