KUTCHMUNDRA

અદાણી ફાઉન્ડેશન દ્વારા મુંદ્રાની સ્વસહાય મહિલા જૂથને 14 ગાયોનું દાન કરાયું.

૨૮-એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

અદાણી ફાઉન્ડેશન દ્વારા મુંદ્રાના મહિલા સ્વસહાય જૂથને ‘મહાદાન’ ગૌદાન!

ગાય આધારિત ઉત્પાદનો લાભાર્થીઓ માટે ‘કામધેનુ’ સમાન

મુન્દ્રા કચ્છ :- ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગવ્ય, ગૌ-આધારિત ખેતી અને ગૌસેવાના અપાર મહત્વના કારણે ગાયને કામધેનુ માનવામાં આવે છે. જો આવા ગૌવંશ દાનમાં મળે તો બીજું શું ઘટે? જી હા, અદાણી ફાઉન્ડેશન દ્વારા મુંદ્રાની સ્વસહાય મહિલા જૂથને 14 ગાયોનું દાન કરી સ્વરોજગારી સાથે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાનું ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે. એટલું જ નહી, ફાઉન્ડેશન તેમને ગાય આધારિત ઉત્પાદનો થકી આવક મેળવવા સુનિયોજીત વ્યવસ્થા અને માર્ગદર્શન કરશે.

ગુજરાતના સૌથી મોટા કચ્છ જિલ્લામાં પશુધનની સંખ્યા માનવ વસ્તી કરતાં વધુ છે. ખેતી અને પશુપાલન આજીવિકાનું મુખ્ય સાધન હોવાથી લોકો પશુધનની સારસંભાળ રાખવામાં પાવરધા છે. અદાણી ફાઉન્ડેશને તેનો વિગતવાર અભ્યાસ કરી પશુધન આધારીત આજીવિકા વિકસાવવાનો સંકલ્પ કર્યો. ફાઉન્ડેશન ગાયનું દૂધ, ઘી અને છાસ જેવા ઉત્પાદનોનું પેકેજીંગ અને તેને માર્કેટ સુધી પહોંચાડતી સાંકળ બનાવવામાં મદદરૂપ થશે. ગૌવંશના આરોગ્યની કાળજી રાખવા તેમના ટ્રેકીંગની તજવીજ કરવામાં આવશે. મહાદાન ગણાતું ગૌદાન લાભાર્થીઓની આર્થિક અને સામાજીક ઉન્નતિમાં મદદરૂપ બનશે.

ગૌદાનના લાભાર્થી લખમાબાઈ જણાવે છે કે ”ગાયના પ્રત્યેક અંગમાં ઈશ્વરનો વાસ હોય છે. અમે ગાયમાતાને અમારા કુટુંબના સભ્ય સમાન ગણીએ છીએ. ગાયના દૂધથી અમે દહીં, ઘી અને છાસ જેવા ઉત્પાદનો બનાવી આવક મેળવી શકીએ છીએ. અદાણી ફાઉન્ડેશન તરફથી મળેલુ ગૌદાન અમારા માટે વરદાન સમાન છે.”

ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી એકંદરે સૌને લાભ થાય છે. ગૌમૂત્ર અને ગાયનું છાણ ખાતરનો અખૂટ ખજાનો છે. તેનાથી વિલાયતી ખાતર અને જંતુનાશક દવાઓમાંથી મુકિત, ખેતીખર્ચમા ઘટાડો, ગૌસંસ્કૃતિનુ સંવર્ધન, જીવામૃતથી અળસિયાની ઉત્પત્તિ અને વૃદ્ધિ જેવા અનેક ફાયદાઓ થાય છે. વળી ગૌમુત્ર, ખાતર અને ખાટી છાશથી અનાજ ઉત્પાદનમાં વધારો થાય છે. ગાય આધારિત ખેતીમાં 30 ટકા ઓછા પાણીની જરૂર પડે છે. ગાયનું દૂધ ઉત્તમ ઔષધ અને તેનાથી બનતી ચીજવસ્તુઓ આવકનો સ્ત્રોત છે. આમ આ ગૌદાન લાભાર્થીઓ માટે સાચા અર્થમાં વરદાન નીવડશે.2012માં અદાણી ફાઉન્ડેશનના માર્ગદર્શન હેઠળ 20 થી વધુ મહિલાઓ સાથે ‘ગૌ સહેલી સ્વ સહાય જુથ’ની સ્થાપના કરવામાં આવી હતી. તેની સમાજીક પ્રવૃત્તિઓ સાથે ભંડોળમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી રહી છે.

[wptube id="1252022"]
Back to top button