
૭-જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી – કચ્છ
જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારાની
કિશોરીઓને સશક્ત અને સુપોષિત થવા અપીલ
ભુજ કચ્છ :- મહિલા અને બાળ વિકાસ વિભાગની બેટી બચાઓ – બેટી પઢાઓ અને પૂર્ણા યોજના અંતર્ગત આઇસીડીએસ જિલ્લા પંચાયત અને મહિલા બાળ કલ્યાણ કચ્છના સંયુક્ત ઉપક્રમે “સુપોષિત અને સશક્ત કિશોરી-અભિયાન” મેળાનું જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારાની અધ્યક્ષતામાં ભુજ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કિશોરીઓ અને મહિલાઓનાં સ્વાસ્થ્ય, સુરક્ષા અને સ્વનિર્ભરતા સાથે જોડાયેલા વિવિધ વિભાગોએ ભાગ લીધો હતો. આ મેળામાં સ્ટોલ ઉભા કરીને તેઓની સેવાઓ અંગે સૌને માહિતગાર કરાયા હતા.મહિલાઓને સ્વ-બચાવ તથા સુરક્ષા લક્ષી બાબતો અંગે નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અને મહિલા પોલીસ સ્ટેશન ટીમ દ્વારા વિષય સુસંગત જાણકારી આપવામાં આવી હતી. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તરફથી સચિવશ્રી દ્વારા કાયદા અંગે જાણકારી આપવામાં આવી હતી. તથા મહિલા કલ્યાણ શાખા દ્વારા મહિલાઓ લક્ષી વિવિધ યોજનાઓ અંગે જાણકારી આપતા સાહિત્યનું પ્રદર્શન અને વિતરણ કરાયું હતું.
કિશોરીઓ અને મહિલાઓને સ્વાસ્થ્ય બાબતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વજન, ઊંચાઈ, BMIની માપણી, હિમોગ્લોબીન ચકાસણી કરવામાં આવી હતી. આઇસીડીએસ દ્વારા વિવિધ પૌષ્ટિક વાનગીઓ, પોષણ અંગેનું પોસ્ટર, બેનર વગેરે દ્વારા પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો. ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટસ ૨૦૨૩ અંતર્ગત જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા મિલેટ ઉપયોગ અને ફાયદા અને બાગાયત વિભાગ દ્વારા કિચન ગાર્ડન અંગે જાણકારી અપાઇ હતી.કિશોરીઓ અને મહિલાઓ સ્વરોજગાર અંગે જાણકારી આપવા માટે પોસ્ટ વિભાગ અને ગ્રામીણ બેંક તથા આઈટીઆઈ તરફથી અધિકારીશ્રીઓએ જાણકારી આપી હતી તથા સ્ટોલ દ્વારા જરૂરી સાહિત્ય આપવામાં આવ્યું હતું.શિક્ષણ ક્ષેત્રે સફળ થયેલી કિશોરીઓએ પ્રાઈડ વોક કરી હતી તથા ૩ સુપોષિત કિશોરીઓને પૂર્ણા કપ અને સહભાગી થયેલી તમામ કિશોરીઓને પ્રમુખશ્રીના હસ્તે ઇનામ આપવામાં આવ્યું હતું. તથા સૌને સશક્ત અને સુપોષિત થવા અપીલ કરી હતી.આ કાર્યક્રમમાં અંદાજે કુલ ૪૦૦ મહિલાઓ અને કિશોરીઓએ ભાગ લીધો હતો.








