
26 માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી – કચ્છ
રોટરી ક્લબ તરફથી ટીબીના દર્દીઓને પોષણ કીટ આપવાની જાહેરાત કરવામાં આવી
મુન્દ્રા કચ્છ :- ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ અને લોકો વચ્ચે મહત્વની કડીરૂપ ભૂમિકા ભજવનાર આશા બહેનો ઘરે ઘરે ફરીને આરોગ્યલક્ષી સેવાઓ પુરી પાડતી હોય છે તેમની આ સેવાઓના કદરરૂપે દર વર્ષે શ્રેષ્ઠ કામગીરી કરનાર આશાઓનું સન્માન કરવામાં આવતું હોય છે જે અનુસંધાને તાજેતરમાં મુન્દ્રા તાલુકાના સાત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વર્ષ દરમ્યાન સારી કામગીરી કરનાર પ્રતિભાશાળી આશાઓનું સન્માન કાર્યક્રમ રોટરી હોલ ખાતે યોજાઈ ગયો.જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રવીન્દ્ર ફુલમાળીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા સંમેલનમાં તાલુકા આરોગ્ય અધિકારી ડો. કૈલાશપતિ પાસવાન, રોટરી ચેરીટેબલ સોસાયટીના પ્રમુખ ભુપેન મહેતા, રોટરી ક્લબના પ્રમુખ સુનિલ વ્યાસ, બી. એમ. ગોહિલ, હિરેન સાવલા, વિરાટ મહેતા તથા આરોગ્ય કેન્દ્રના ડોકટર્સના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ તકે શ્રેષ્ઠ કામગીરી કરનાર પ્રતિભાશાળી આશાઓ કૈલાસબા જાડેજા (વડાલા), રેહાનાબેન માંજલીયા (મુન્દ્રા), હિરબાઈ રાણશી મહેશ્વરી (નવીનાળ), રોશનબેન અબ્બાસ સાંધ (સાડાઉ), પૂનમબેન ગુંસાઈ (રામાણીયા), મયુરીબેન શંકરભાઈ હુંબલ (વાંકી) તથા કૌશલ્યાબેન હરજી આસત (નાના કપાયા)નું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. સંમેલનમાં જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન મહેન્દ્ર ગઢવીએ હાજર રહીને આશાઓને શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં હાજર રહેલ આશા અને આશા ફેસીલીટેટર બહેનોને વિશ્વ ટીબી દિવસ નિમિત્તે ટીબી તથા આરોગ્યને લગતા વિવિધ પોગ્રામો અંગે માહિતી આપવામાં આવી હતી. આ તબક્કે રોટરી ક્લબ તરફથી ટીબીના દર્દીઓને પોષણ કીટ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તાલુકા હેલ્થ સુપરવાઇઝર હરિભાઈ જાટીયાએ કર્યું હતું જ્યારે કાર્યક્રમને સફળ બનાવવા આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ તથા ટીબી ટીમે જહેમત ઉઠાવી હતી.