
1-ઓકટો.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ કચ્છ :- જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભુજ દ્વારા ગામડાઓ કચરા મુક્ત બને તે માટે “સ્વચ્છતા હી સેવા ૨૦૨૩” પ્રોગામ અંતર્ગત સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ શાખા દ્વારા વિવિધ સ્વચ્છતાના કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. ત્યારે કચ્છ જિલ્લામાં ખડીર બેટ ખાતે પુરાતત્વીય સ્થળ તરીકે જાહેર થયેલા ધોળાવીરા ગામમાં પણ સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાર્બેજ ફ્રી ઇન્ડિયાની થીમ સાથે ગામો કચરા મુકત બને તે માટેના વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી પહેલી તારીખે સ્વચ્છતા માટે “એક તારીખ, એક કલાક” મહાશ્રમદાન કાર્યક્રમ ભારતભરમાં યોજાશે. ત્યારે ધોળાવીરામાં પણ અત્યારથી ગામના જાહેર સ્થળોની, રસ્તાઓની સફાઈ કરવામાં આવી રહી છે. ગામના તમામ લોકોને મહાશ્રમ દાન કાર્યક્રમમાં જોડવામાં આવી રહ્યા છે. પ્રવાસનને વેગ મળે અને ગામની સ્વચ્છતા જળવાય તે માટે ગામના લોકો દ્વારા સફાઈ અભિયાનમાં જોડાઈને ગામને સ્વચ્છ બનાવી રહ્યા છે.








