વર્ષા વિજ્ઞાન મંડળ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ૩૦મો વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાયો

જૂનાગઢ તા.૨૪
વર્ષા વિજ્ઞાન મંડળ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આયોજિત ૩૦માં વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં પરંપરાગત રીતે ચોમાસાનો વરતારો રજૂ કરતા ૫૦ જેટલા આગાહીકારોનું એકંદરે ચોમાસુ સારું રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. એટલે કે, આગામી ચોમાસુ ૧૨ થી ૧૪ આની રહેવાની આગાહી કરવામાં આવી છે.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી વી.પી. ચોવટીયાએ અધ્યક્ષસ્થાને આગાહીકારોના સારાંશ રજૂ કરતા જણાવ્યું કે, જૂન મહિનાના બીજા અઠવાડિયા પછીથી ૨ તબક્કામાં વાવણી થવાની શક્યતાઓ રહેલી છે અને સમગ્ર ચોમાસા દરમિયાન ૫૦ થી ૫૫ દિવસ વરસાદ રહેવાની શક્યતાઓ છે. ઉપરાંત તેમણે જુલાઈ ઓગસ્ટમાં અતિવૃષ્ટિની સંભાવનાઓમાં આગાહીકારોનો એકમત જોવા મળતો નથી. વાયરા વિશે પણ આગાહીકારોના જુદા જુદા અનુમાનો છે.
તેમણે જણાવ્યું કે, સૌરાષ્ટ્ર ગુજરાત ઉપરાંત સમગ્ર દેશની પ્રગતિ માટે ચોમાસુ સારું થાય તે ખૂબ જરૂરી છે. આગાહીકારોના અનુમાનથી ખેડૂતોને આયોજન કરવામાં સરળતા રહે છે.
તેમણે જણાવ્યું કે, વડવાઓ દ્વારા વારસામાં મળેલા આ જ્ઞાનને અભેરાઈએ ન ચડાવી શકીએ, આગાહીકારો સામે જુદા જુદા પડકારો આવતા રહેશે. પરંતુ આ જ્ઞાનને પોતાના પૂરતું સીમિત ન રાખતા આ વર્ષા વિજ્ઞાન નું જ્ઞાન આવનારી પેઢીને મળે તે પણ જરૂરી છે.
આ પ્રસંગે સંયુક્ત સચિવ શ્રી એચડી મારડિયાએ જણાવ્યું કે, પરંપરાગત રીતે વરસાદની આગાહીનું જ્ઞાન ધરાવનાર કદાચ છેલ્લી પેઢી હશે. પરંતુ આ વારસો જળવાઈ રહે તે માટે નવી પેઢીને આ જ્ઞાન આપવા માટે જરૂરી ગણાવ્યું હતું.
વર્ષા વિજ્ઞાન મંડળના પ્રમુખ અને વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી એન.બી જાદવે જણાવ્યું કે, વરસાદના પૂર્વાનુમાનથી ખેડૂતો રિસ્ક મેનેજમેન્ટ સારી રીતે કરી શકે છે. જીવજંતુ અટકાવવાથી માંડી પિયત ક્યારે આપવું તેના આયોજન કરી શકાય છે. ઉપરાંત તેમણે ૩૦ વર્ષ પૂર્વે શરૂ થયેલ વર્ષા વિજ્ઞાન મંડળની ભૂમિકા પણ આપી હતી.
વર્ષા વિજ્ઞાન મંડળના કારોબારી સભ્ય શ્રી જેરામભાઈ ટીંબડીયાએ જણાવ્યું કે, વર્ષા વિજ્ઞાન મંડળે પડકારો વચ્ચે પણ સતત કાર્ય ચાલુ રાખ્યું હતું. આગાહીકારોએ સતત મહેનત કરી વરસાદ માટેના અવલોકનો લીધા છે. તેમના આગાહીના પેપરને આંકડાશાસ્ત્ર વિભાગ દ્વારા વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ પણ કરવામાં આવી રહ્યો છે.
આ પ્રસંગે વર્ષા વિજ્ઞાન મંડળના ઉપપ્રમુખ જે.ડી. ગુંદાણીયા સંશોધન નિયામક શ્રી આર. બી. માદરીયા, રજીસ્ટાર શ્રી પી.એમ. ચૌહાણ, ડો. વરૂ, વર્ષા વિજ્ઞાન મંડળના કારોબારી સભ્ય શ્રી ગાજીપરા ડો. છોડવડીયા, ડો. પોકર, નિવૃત્ત અધ્યાપક શ્રી કાનાણી, ડી.વી. પટેલ અને સૌરાષ્ટ્રભરમાંથી આવેલા આગાહીકારો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.










