
કેશોદ તાલુકાના કેવદ્રા ગામે મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત આજે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દેશના વીર શહીદોને શ્રદ્ધાંજલિ, શીલાફલમ નું અનાવરણ, પંચપ્રાણ પ્રતિજ્ઞા, વસુધા વંદન, ધ્વજ વંદન તેમજ વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તકે ગામના નિવૃત્ત જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ગ્રામ પંચાયત કચેરી અને પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં કેશોદ ધારાસભ્ય દેવાભાઇ માલમ, કેશોદ તાલુકા ભાજપ પ્રમુખ ગોવિંદભાઇ બારીયા, શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઇ ભાલારા, તાલુકા પંચાયત પ્રમુખ નરેન્દ્રભાઇ દેત્રોજા, ગામના તલાટી મંત્રી મયંક કનેરિયા, શાળાના આચાર્ય તેમજ ગ્રામજનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્ર્મ ના અંતે કેશોદ તાલુકા ભાજપ પ્રમુખ ગોવિંદભાઇ બારીયા દ્રારા જણાવવામાં આવ્યું હતું કે આજે સરકાર દ્રારા પંચાયત વિભાગને આદેશ કરી દરેક ગામડે આવા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જેનો ઉદ્દેશ્ય એ છે કે લોકોની અંદર દેશ પ્રત્યેની જાગૃતિ અને ભાવના ઊભી થાય તેમજ સૌ સાથે મળી આપણાં વીર જવાનોને સાચી શ્રદ્ધાંજલી આપીએ
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ










