
સ્ત્રી અધ્યાપન મંદિર રાજપીપળામાં તાલીમાર્થી બહેનો અને ઈ.આચાર્યનો વિદાય સમારંભ યોજાયો
રાજપીપળા : જુનેદ ખત્રી
ભરુચ જિલ્લા આદિવાસી સેવા સંઘ અને કેળવણી મંડળ સંચાલિત સ્ત્રી અધ્યાપન મંદિર, રાજપીપળા ખાતે દ્વિતીયવર્ષની તાલીમાર્થી બહેનોનો તેમજ વયમર્યાદાને કારણે નિવૃત થઈ રહેલા ઈ.આચાર્ય સી.વી.વસાવા સાહેબનો વિદાય સમારંભ યોજાઇ ગયો.
કાર્યક્રમની શરૂઆત ‘વંદે માતરમ’ ના સમૂહ ગાનથી થઈ હતી. બાદમાં કાર્યક્રમમાં ઉપસ્થિત મંડળના મંત્રીશ્રી રાજસિંહ મહિડા, રિટાયાર્ડ સ્ટાફ, આમંત્રિત મહેમાનોનું સ્વાગત પુસ્તકથી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને આગળ વધારતા દીપ પ્રગટન બાદ સી.વી.વસાવા સાહેબને સંસ્થા પરિવાર વતી ભાવનાબેન ભગત, ભાનુબેન વસાવા તેમજ તાલીમાર્થી બહેનો દ્વારા સ્મૃતિ ભેટ, શ્રીફળ અને પડો અર્પણ કરેલ. દ્વિતીય વર્ષની બહેનોએ સંસ્થાને ફોટો ભેટ તરીકે આપેલ. પ્રાસંગિક પ્રવચનમાં તાલીમાર્થી બહેનો નયના બારિયા અને યુગ્મા વસાવાએ પોતાના બે વર્ષના કોલેજ સાથેના સંસ્મરણો તાજા કર્યા હતા અને પોતાની કેળવણી માટે સંસ્થાનો આભાર માન્યો હતો. શ્રી વિશાલભાઈ લુહારે સી.વી.વસાવા સાહેબ સાથેના અનુભવો યાદ કરી, તેમની સંસ્થા પ્રત્યેની લાગણી શબ્દો દ્વારા વ્યક્ત કરી હતી. ભદ્રાબેન પરીખે કોલેજના ભવ્ય ભૂતકાળને યાદ કરી પાછા તેવા દિવસો આવે તેવી શુભેચ્છાઓ આપેલી. મંડળના મંત્રીશ્રી રાજસિંહ મહિડાએ તાલીમાર્થી બહેનોને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ આપી વસાવા સાહેબના કાર્યકાળને બિરદાવ્યો હતો અને ભવિષ્યમાં સંસ્થાને જરુર પડે સેવા આપવા વિનંતી કરી હતી અને સંસ્થા વતી સી.વી. વસાવા સાહેબને સન્માનપત્ર અર્પણ કરેલ. પોતાના પ્રતિભાવમાં સી.વી.વસાવાએ પોતે પોતાની શક્તિ મુજબ વહીવટી અને શૈક્ષણિક કામગીરીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવાનો પ્રયત્ન કર્યો છે તેની વાત કરેલ. કાર્યક્રમમાં સાહેબના પરિવારજનો, રિટાયર સ્ટાફ, પ્રાથમિક શાળાના આચાર્યો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને અંતે આભારવિધિ શ્રી મનીષાબેન ગૂર્જરે કરેલ અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો.વિમલ મકવાણાએ કરેલ.