
તા.૧૨/૭/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
૩૩ સ્પર્ધાઓ માટે વિવિધ હરિફાઈ યોજાશે: ૨૫ જુલાઈએ બપોરે ૧૨ સુધી અરજીઓ મોકલી શકાશે
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગર તેમજ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ-ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી રાજકોટ દ્વારા “Youth As Job Creators” થીમ આધારિત “યુવા ઉત્સવ: ૨૦૨૩-૨૪”નું આયોજન કરવામાં આવનાર છે.
જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી એચ.વી. દિહોરાની યાદીમાં જણાવ્યા પ્રમાણે, તાલુકા/ઝોન કક્ષા, જિલ્લા, પ્રદેશ, રાજ્ય તથા રાષ્ટ્રકક્ષાની સ્પર્ધાઓ ક્રમશ: યોજવામાં આવશે. કુલ ૩૩ સ્પર્ધાઓ યોજાશે. જેમાં “અ” વિભાગમાં ૧૫થી ૨૦ વર્ષ સુધીના, “બ” વિભાગમાં ૨૦થી ૨૯ વર્ષ સુધીના તથા “ખુલ્લા” વિભાગમાં ૧૫થી ૨૯ વર્ષ સુધીની ઉંમરના સ્પર્ધકો ભાગ લઈ શકશે. ઉંમર માટે ૩૧-૧૨-૨૦૨૩ની સ્થિતિ ધ્યાનમાં લેવામાં આવશે.

આ યુવા ઉત્સવ અંતર્ગત તાલુકા/ઝોન કક્ષાએ, સાહિત્ય વિભાગમાં ૧. વક્તૃત્વ, ૨. નિબંધ, ૩. પાદપૂર્તિ, ૪. ગઝલ શાયરી લેખન, ૫. કાવ્ય લેખન, ૬. દોહા છંદ ચોપાઈ, ૭. લોકવાર્તાની સ્પર્ધા યોજાશે. કલા વિભાગમાં ૮. સર્જનાત્મક કારીગરી, ૯. ચિત્રકલાની સ્પર્ધા થશે. સાંસ્કૃતિક વિભાગમાં ૧૦. લગ્નગીત, ૧૧. હળવું કંઠ્ય સંગીત, ૧૨. લોકવાદ્ય સંગીત, ૧૩. ભજન, ૧૪. સમૂહગીત, ૧૫. એકપાત્રિય અભિનય એમ કુલ ૧૫ સ્પર્ધાઓ થશે.
જ્યારે જિલ્લા કક્ષાએ સીધી, ૧. શીઘ્ર વકતૃત્વ (હિન્દી/અંગ્રેજી), ૨. લોકનૃત્ય, ૩. લોકગીત, ૪. એકાંકી (હિન્દી/અંગ્રેજી), ૫. શાસ્ત્રીય કંઠ્ય સંગીત, ૬. કર્ણાટકી સંગીત, ૭. સિતાર, ૮. વાંસળી, ૯. તબલા, ૧૦. વીણા, ૧૧. મૃદંગમ્, ૧૨. હાર્મોનિયમ (હળવું), ૧૩. ગિટાર, ૧૪. શાસ્ત્રીય નૃત્ય – ભારત નાટ્યમ્ ૧૫. શાસ્ત્રીય નૃત્ય – મણિપુરી, ૧૬. શાસ્ત્રીય નૃત્ય – ઓડિસી, ૧૭. શાસ્ત્રીય નૃત્ય – કથ્થક, ૧૮. શાસ્ત્રીય નૃત્ય – કુચિપુડી એમ કુલ ૧૮ સ્પર્ધાઓ થશે.
આ સ્પર્ધાઓમાં ભાગ લેવા ઈચ્છતા રાજકોટ શહેર, ગ્રામ્યના સ્પર્ધકોએ નિયત નમૂનાનું અરજી ફોર્મ ભરીને જન્મ તારીખના દાખલા/આધાર કાર્ડની નકલ સાથે તા.૨૫-૦૭-૨૦૨૩ના રોજ બપોરે ૧૨ સુધીમાં રૂબરૂ/ટપાલથી મોકલી આપવાના રહેશે.
રાજકોટ શહેરના સ્પર્ધકોએ અરજી પ્રતિશ્રી, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, રાજકોટ શહેર, ૭/૨, બહુમાળી ભવન, રેસકોર્સ, રાજકોટ ખાતે મોકલી આપવાની રહેશે. જ્યારે રાજકોટ જિલ્લા/ગ્રામ્યના સ્પર્ધકોએ પોતાની અરજી પ્રતિશ્રી, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, રાજકોટ ગ્રામ્ય, ૫/૫, બહુમાળી ભવન, રેસકોર્સ, રાજકોટ ખાતે મોકલી આપવાની રહેશે. નિયત સમય મર્યાદા બાદ મળેલી અરજીઓ ધ્યાને લેવાશે નહીં, તેમ યાદીમાં જણાવાયું છે.








