
રાજ્ય સરકારના વૈજ્ઞાનિક પ્રદર્શન જેવા કલ્પોથી ભવિષ્યના વૈજ્ઞાનિકો તૈયાર થશે : શ્રી મુક્તાનંદજી બાપુએ પ્રેસ કોન્ફરન્સમાં આપી જાણકારી
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : રાજ્ય કક્ષાના ૫૧માં વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનો જૂનાગઢ જીલ્લો પ્રથમ વખત યજમાન બન્યો છે. આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં રાજ્યભરમાંથી આવનાર વિદ્યાર્થીઓ દ્વારા ૧૦૦ જેટલી પોતાની વૈજ્ઞાનિક કૃતિ રજૂ કરવામાં આવશે. આ સાથે શૈક્ષણિક વિકાસ માટે ઉપયોગી એવા રમકડા મેળા અને પુસ્તક મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
વિસાવદર તાલુકાના ચાપરડા ખાતેના શ્રી બ્રહ્માનંદ વિદ્યાધામ ખાતે આયજિત આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૩-૨૪ને આવતીકાલ તા.૬-૧-૨૪ના રોજ સાંજે ૪ કલાકે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા ખુલ્લું મુકશે.
આ પ્રદર્શન વિશે બ્રહ્માનંદ વિદ્યાધામના સંસ્થાપક શ્રી મુક્તાનંદજી બાપુ અને જિલ્લા શિક્ષણ અને તાલીમ સંસ્થાના આચાર્યશ્રી હિરેન ભટ્ટે પ્રેસ કોન્ફરન્સમાં વિગતવાર જાણકારી આપી હતી.
શ્રી મુક્તાનંદજી બાપુએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા આયોજિત આ પ્રકારના મેળાથી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેનું એક સ્ટેજ મળે છે. તેમના કૌશલ્યોના વિકાસ થવાની સાથે ભવિષ્યના વૈજ્ઞાનિકો આ પ્રકારના કાર્યક્રમથી તૈયાર થશે. તેમણે વિજ્ઞાન સાથે વિકાસની હિમાયત કરતા કહ્યું કે, યુવાનોમાં સર્જન શક્તિના વિકાસની સાથો સાથ માનવીય ગુણોનો પણ વિકાસ થાય તે સમાજ અને રાષ્ટ્રના હિત માટે જરૂરી છે. યુવા પેઢી માનવતાવાદી બને અને સખત પરિશ્રમ કરીને સર્જન શક્તિ તરફ લઈ જવી જરૂરી છે. દરેક રાષ્ટ્રના કલ્યાણના યજ્ઞમાં યથાયોગ્ય આહુતિ આપે તે માટે ભાર મુક્યો હતો.
આપણી ભારતીય સંસ્કૃતિને અનુસરીએ અને અન્યની સંસ્કૃતિનો આદર કરીએ. તેમ જણાવતા મુક્તાનંદજી બાપુ કહ્યું કે, આપણી સંસ્કૃતિમાં આધ્યાત્મ અને વિજ્ઞાનનું અનોખું સંયોજન જોવા મળે છે. તેમણે અંધશ્રદ્ધાથી દૂર રહી વૈજ્ઞાનિક દ્રષ્ટિ કોણ અપનાવવા માટે પણ અનુરોધ કર્યો હતો.
ડાયટના આચાર્યએ જણાવ્યું કે, ગુજરાત રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટેના રાજ્ય કક્ષાના પ્રદર્શનમાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર થયેલ કૃતિઓ નિહાળવા મળશે. ઉપરાંત આ પ્રદર્શનમાં ભાગ લેવા માટે આવેલા રાજ્યભરના ૨૦૦ વિદ્યાર્થીઓ અને ૧૦૦ શિક્ષકોને તા.૭ના રોજ આંબરડી અને દેવળીયાનો પ્રકૃતિ પ્રવાસ કરાવવામાં આવશે. અને રાત્રે ૭ કલાકે ધમાલ નૃત્ય સહિતના સાસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવશે. તા.૮ ના રોજ ૧.૩૦ કલાકે ઈસરોના વૈજ્ઞાનિક રમેશભાઈ પંડ્યા અને શિક્ષણ શાસ્ત્રી ગિજુભાઈ ભરાડ વ્યાખ્યાન આપશે. ઉપરાંત તા.૮ના રોજ રાત્રે ૮ કલાકે ડો. જગદીશ ત્રિવેદી હાસ્યરસ પીરસશે.
પ્રદર્શન નિહાળવાનો સમય તા.૭ ના રોજ સવારે ૯ થી બપોરના ૧, તા.૮ના રોજ સવારેના ૮.૩૦ થી સાંજના ૫ અને તા.૯ના રોજ સવારના ૮.૩૦ થી બપોરના ૧૨ના સુધી રાખવામાં આવ્યો છે. ઉપરાંત તા.૬ના રોજ આકાશ દર્શન રાત્રીના સમયે રાખવામાં આવ્યું છે. આ પ્રદર્શન નિહાળવા માટે જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓને લઈ જવામાં આવશે.
બ્રહ્માનંદ વિદ્યાધામમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા નલિન પંડિત અને શ્રી આર.એસ. ઉપાધ્યાયે ગીરના નેસ વિસ્તારમાં શૈક્ષણિક અને સેવાકીય પ્રવૃત્તિઓની જાણકારી આપતા જણાવ્યું હતું કે, આ ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં ગીરના નેશ વિસ્તારના વિદ્યાર્થીઓ ભાગ લેશે અને પોતાની કૃતિઓ પણ રજૂ કરશે.
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન- ડાયટના ભરત મેસિયાએ જરૂરી વિગત આપતા આ પ્રેસ કોન્ફરન્સનું સંચાલન કર્યું હતું.





