
તા.૫/૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
૨૧ જેટલાં ગામડાંઓના ગ્રામજનોને મળી ૫૬ જેટલી સેવાઓ એક જ સ્થળે
સ્વચ્છતા ઝુંબેશ અન્વયે આસપાસના ૧૧ જેટલા ગામને ઘન કચરાના નિકાલ માટે મળી ઈ-રિક્ષા
Rajkot, jetpur: રાજકોટ જિલ્લામાં જેતપુર તાલુકાનાં ઉમરાળી ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” યોજાઈ હતી, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓની માહિતી લઇ જન જન સુધી પહોંચી રહેલા આ રથને ગ્રામજનોએ હર્ષભેર આવકાર્યો હતો.
“વિકસિત ભારત સંકલ્પ યાત્રા”ના કાર્યકમની સાથે સાથે રાજય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ તેમજ પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નો અને સરકારી સેવાઓના લાભો લાભાર્થીઓને તેમના રહેઠાણના નજીકના સ્થળે જ મળી શકે તેવા ઉમેદા હેતુને ધ્યાને લઈ જેતપુર તાલુકાનો “સેવા સેતુ કાર્યક્રમ” પણ યોજાયો હતો. જેમાં સરકારશ્રીના ૧૩ જેટલા વિભાગોની વિવિધ ૫૬ યોજનાકીય સેવાઓ એક જ સ્થળે ગ્રામ્ય નાગરિકોને વહીવટીતંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી હતી. જેનો લાભ મેવાસા, મંડલીકપુર, મોટા. ગુંદાળા, પેઢલા, પાંચપીપળા, પીઠડીયા, કાગવડ, વિરપુર, રબારીકા, સેલુકા, થોરાળા, સરધારપુર, કેરાળી, લુણાગરા, લુણાગરી, પ્રેમગઢ, જાંબુડી, વાળાડુંગરા, જેપુર, હરીપર, ઉમરાળી એમ ૨૧ જેટલાં ગામડાંઓના નાગરીકોએ મેળવ્યો હતો.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રી દ્વારા સમગ્ર ભારતમાં સ્વચ્છતા ઝુંબેશ પુરજોશમાં ચાલી રહે છે, ત્યારે ૧૫માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી જેતપુર તાલુકાના સેલુકા, મેવાસા, ખારચીયા, ખજુરી ગુંદાળા, જેતલસર ગામ, નવી સાંકડી, લુણાગરા, ચારણીયા, ચારણ સમઢીયાળા, અમરાપર, રેશમડી ગાલોલ સહિતના ૧૧ ગામો માટે ઈ-રીક્ષાનું લોકાર્પણ આ તકે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ દ્વારા યોજાયેલા હેલ્થ ચેકઅપ, પશુપાલન કેમ્પ તથા ડ્રોન નિર્દશનનો ગ્રામજનોએ લાભ મેળવ્યો હતો. “મેરી કહાની, મેરી ઝુબાની” અંતર્ગત લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો વર્ણવ્યા હતા. ગામની સશકત કિશોરી, તેજસ્વી વિદ્યાર્થી, રમતવીરને મહાનુભાવોનાં હસ્તે પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત અધિકારીઓ દ્વારા સરકારના વિવિધ વિભાગની જનકલ્યાણકારી યોજનાઓની જાણકારી આપવાની સાથે લાભાર્થીઓને ઉજ્જવલા યોજના અન્વયે ગેસ કીટ, આયુષ્માન કાર્ડ, સોઈલ હેલ્થ કાર્ડ, પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ તકે “ધરતી કહે પુકાર કે” નામક નૃત્ય નાટિકા રજૂ કરી રસાયણથી થતી ખેતીના જમીન પરના દુષ્પ્રભાવ જણાવી લોકોને પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો સંદેશ ભૂલકાંઓએ પાઠવ્યો હતો. ગ્રામજનો પ્રધાનમંત્રીશ્રીનો વિકસિત ભારત સંકલ્પ સંદેશ સાંભળવાની સાથે વિકાસલક્ષી શોર્ટ ફિલ્મ નિહાળી, વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવા યથા યોગ્ય યોગદાન આપવા સંકલ્પબધ્ધ થયા હતા.
આ કાર્યક્રમમાં સરપંચશ્રી, જિલ્લા પંચાયત સભ્યશ્રીઓ, તાલુકા પંચાયત આગેવાનશ્રીઓ, ગ્રામ પંચાયત આગેવાનશ્રીઓ, જિલ્લા પંચાયત સદસ્યશ્રી જનકભાઈ ડોબરીયા, જેતપુર તાલુકા વિકાસ અધિકારીશ્રી જે. પી. વણપરિયા, જેતપુર મામલતદારશ્રી એ. પી. અંટાળા, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો. કુલદીપ સાપરિયા, ખેતીવાડી વિભાગ, મહેસુલ વિભાગ, બેંક, પશુપાલન, આરોગ્ય, શાળાના આચાર્યશ્રી, શિક્ષકો, તલાટી મંત્રીશ્રી, આઈ.સી.ડી.એસ., સહિતનાં સંબધિત તમામ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.