
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં ત્રણેય તાલુકાઓમાં વરસાદની રમઝટ વચ્ચે ઠેર ઠેર મટકી ફોડનાં કાર્યક્રમ યોજી ભગવાન શ્રીકૃષ્ણનાં જન્મોત્સવની ભાવિક ભક્તો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.. પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં આહવા,સુબીર અને વઘઈ તાલુકામાં ભગવાન શ્રીકૃષ્ણનાં જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જોકે સમગ્ર ડાંગ જિલ્લામાં મેઘ મહેર જોવા મળી હતી.ત્યારે વરસાદની રમઝટ વચ્ચે પણ ભાવિક ભક્તોએ ઠેર ઠેર ભજન કીર્તન સહીત મટકી ફોડનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જન્માષ્ટમીનાં પાવન પર્વ નિમિત્તે ડાંગ જિલ્લાનાં ગામડાઓ ભક્તો દ્વારા કાર્યક્રમોનું આયોજન હાથ ધરી કાન્હાનાં જન્મોત્સવની ઉજવણી કરી હતી.રાત્રિનાં બરાબર બાર વાગ્યાનાં ટકોરે “નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી”ના નાદ સાથે ભગવાન શ્રીકૃષ્ણનાં જન્મોત્સવની વધામણી કરવામાં આવી હતી.ડાંગ જિલ્લામાં કૃષ્ણ મંડળો દ્વારા મટકી ફોડનાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.નાના બાળકોએ ભગવાન શ્રીકૃષ્ણની આકર્ષક વેશભૂષા ધારણ કરીને મટકી ફોડના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.ગામડાઓમાં ભક્તોએ ઘરે તથા મંદિરોમાં આકર્ષક હિંડોળા સાથે ભગવાન શ્રીકૃષ્ણની હિંડોળા પાલખીઓને સજાવવામાં આવી હતી.મંદિરોમાં શ્રીકૃષ્ણ ભજન મંડળો દ્વારા ધૂન ભજનની રમઝટ બોલાવવામાં આવી હતી.જન્માષ્ટમી પર્વ નિમિત્તે ડાંગ જિલ્લાનાં મંદિરોમાં શ્રીકૃષ્ણના જન્મની વધામણી અને ભક્તિભાવ સાથે મહાઆરતી કરવામાં આવી હતી..





