
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ..
ડાંગ જિલ્લાનાં વઘઇ ખાતે આવેલ આઈ.ટી.આઈ કોલેજમાં લર્નિંગ લાયસન્સનાં નામે ભય વગરનો ભ્રષ્ટાચાર આચરવામાં આવતા આદિવાસી અરજદારો તૌબા તૌબા પોકારી ઉઠ્યા છે…
પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં વાહનચાલકોને સરળતાથી લાયસન્સની સુવિધાઓ મળી રહે તથા અરજદારો ધર્મનાં ધક્કા ન ખાય તે માટે રાજ્ય સરકાર દ્વારા લર્નિંગ લાયસન્સની જવાબદારી આહવા,વઘઇ અને સૂબિર આઈ.ટી.આઈ કોલેજોને સોંપી છે.પરંતુ અહી પ્રવેશદ્વાર વઘઇ ખાતે આવેલ આઈ.ટી.આઈ કોલેજનાં આચાર્ય ડી.એસ.આહીર દ્વારા લર્નિંગ લાયસન્સ કાઢી આપવાની કામગીરીમાં પણ એક એક અરજદાર દીઠ પાંચથી દસ હજારની રકમ વસુલ કરવામાં આવતા આદિવાસી અરજદાર બાપડો બિચારો જ બની રહેવા પામ્યો છે.વઘઇ આઈ.ટી.આઈ કોલેજનાં આચાર્ય સહીત સ્ટાફની ખાયકી નીતિનાં પગલે લર્નિંગ લાયસન્સ ધારકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે.અહી લર્નિંગ લાયસન્સ કઢાવવુ હોય તો ચુપચાપ માંગે તેટલી રકમ આપી દેવાની બાદમાં જ આગળની પ્રોસેસ કરવામાં આવે છે.અને અહી પૈસા આપી દો તો આઈ.ટી.આઈનાં પ્રિન્સિપાલ ડી.એસ.આહીર દ્વારા સેટિંગ ડોટકોમમાં લર્નિંગ લાયસન્સ માટે કોમ્પ્યુટરની પરીક્ષામાં પણ નાપાસને પાસ કરી દઈ સરકારને રીતસરનો ચુનો ચોપડી પોતાના ખિસ્સા ભરવામાં આવી રહ્યા છે.વધુમાં આઈ.ટી.આઈ કોલેજમાં લર્નિંગ લાયસન્સ લેવા જતા અરજદારો જો સ્ટાફ પાસે આચાર્યનો નંબર માંગે તો સ્ટાફ દ્વારા તોછડું વર્તન કરવાની સાથે આચાર્યનો નંબર પણ ન આપતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.સાથે અરજદારોને હાજર સ્ટાફ દ્વારા આચાર્ય કોઈને મળશે નહી અને કોઈને મોબાઈલ નંબર પણ ન આપવાનું જણાવતા અહી મોટાપાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાની શંકા ઉભી થવા પામી છે.ડાંગ જિલ્લાનાં દૂર દૂરનાં ગામડાઓમાંથી રોજેરોજ લર્નિંગ લાયસન્સ કઢાવવા માટે અરજદારો નાણા અને સમયનો વ્યય કરી વઘઇ આઈ.ટી.આઈ કોલેજમાં આવે છે.પરંતુ વઘઇ આઈ.ટી.આઈ કોલેજનાં આચાર્ય અને સ્ટાફનાં અણધડ વહીવટનાં પગલે આદિવાસી અરજદારોમાં નિરાશા વ્યાપી જવા પામી છે.સાથે વઘઇ આઈ.ટી.આઈ કોલેજની હાલત ગંડુ રાજાની અંધેરી નગરી જેવો ઘાટ જોવા મળી રહ્યુ છે.એક તરફ રાજય સરકાર 9 વર્ષનાં સુશાસન દિવસની ઉજવણી કરી છેવાડેનાં માનવી સુધી લાભ મળ્યો નો દાવો કરી રહ્યુ છે.તો બીજી તરફ વઘઇ આઈ.ટી.આઈનાં આચાર્ય અને સ્ટાફ દ્વારા લર્નિંગ લાયસન્સની કામગીરીમાં માત્ર નાણાની ઉઘરાણી કરી ગરીબી પર લૂંટનો ઘા ઝીકી ભાજપાનાં સુશાસનનો સરેઆમ છેદ ઉડાવતા અનેક સવાલો ઉભા થયા છે.ત્યારે વઘઇ આઈ.ટી.આઈનાં બેજવાબદાર અને ખાયકી નીતિમાં રચ્યા પચ્યા રહેનાર આચાર્ય સહિત સ્ટાફ સામે ડાંગ વહીવટી તંત્ર સહીત જિલ્લાનાં પ્રભારી મંત્રી કુંવરજીભાઇ હળપતિ લાલ આંખ કરે તેવી માંગ ઉઠવા પામી છે.આ બાબતે ડાંગ જિલ્લા અધિક કલેકટર એસ.ડી.તબિયારે જણાવ્યુ હતુ કે વઘઇ આઈ.ટી.આઈ કોલેજનાં આચાર્ય સહીત સ્ટાફને આવતીકાલે સૂચના આપી યોગ્ય પગલા ભરાશે..





