આણંદ જિલ્લામાં આવેલ ગેમીંગ ઝોનની ચકાસણી હાથ ધરાઈ
તાહિર મેમણ – આણંદ – 28/05/2024 -રાજકોટ ખાતે ગેમ ઝોનમાં થયેલ દુર્ઘટનાને ધ્યાને લઈ આણંદ જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરી દ્વારા આણંદ જિલ્લામાં આવેલ ગેમીંગ ઝોનની ચકાસણીના સઘન આદેશ આપવામાં આવ્યા હતા. આણંદ જિલ્લામાં આવેલ શોપીંગ મોલ, હોસ્પિટલ, સ્કુલ, કોચિંગ સેન્ટર સિનેમાગૃહ, રેસ્ટોરન્ટ, લોકમેળા, ઉદ્યોગગૃહ, રીસોર્ટ વગેરેની આકસ્મિક તપાસણી કરવા તથા તપાસણી દરમિયાન જો કોઇપણ ક્ષતિ જણાય તો તેને તાત્કાલિક ધોરણે બંધ કરાવવા માટે સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટના સુપરવિઝન હેઠળ તાલુકાવાઇઝ મામલતદારશ્રીની અધ્યક્ષતામાં કમિટીની રચના પણ કરવામાં આવી છે.
જિલ્લા કલેકટરશ્રીની સૂચના અન્વયે આણંદ જિલ્લામાં આવેલ ગેમીંગ ઝોન ઉપરાંત શોપીંગ મોલ, સિનેમાગૃહ વિગેરેની તાત્કાલિક તપાસણી કરવામાં આવી હતી. જેમાં વિવિધ પ્રકારની ક્ષતિઓ માલુમ પડતાં તેને તાત્કાલીક અસરથી બંધ કરવા માટે ફાયર ઓફીસરશ્રી, આણંદ નગરપાલિકાને કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે.
આણંદ જિલ્લામાં તપાસણી કરવામાં આવેલ વિવિધ સ્થળો પૈકી ગોલ્ડ સિનેમા, વિદ્યાનગર રોડ, આણંદ પાસે ફાયર એન.ઓ.સી રીન્યુ થયેલ નથી તથા અધિકૃત વ્યક્તિની નિમણૂંક થયેલ ન હતી. જયારે સોજીત્રા રોડ ખાતે આવેલ Jumpik Japak Maruti Solaris પાસે ફાયર એન.ઓ.સી. ન હોઇ તેમજ એન્ટ્રી અને એકઝીટ માટે એક જ ગેટ જોવા મળ્યો હતો. તેવી જ રીતે Time Zone Entertanment Private Limited, Maruti Solaris, સોજીત્રા રોડ, આણંદ પાસે ફાયર એન.ઓ.સી. ન હતી, તથા ગેમ ઝોન, શાન મોલ, કરસમદ પાસે ફાયર એન.ઓ.સી ન હોઇ તેમજ એન્ટ્રી અને એકઝીટ માટે એક જ ગેટ જોવા મળતા આ તમામ મિલ્કતોને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી હતી.
આ ઉપરાંત આણંદ જીલ્લાના બોરસદ તાલુકાના સીસ્વા ગામ ખાતે CAMP DILLY Resort ના માલીક દ્વારા ફાયર સેફટી માટેની અરજી કરેલ છે, પરંતુ હાલ સદર રીસોર્ટની તમામ એડવેન્ચર પ્રવૃત્તિઓ બંધ કરાવેલ છે.