નવસારી જિલ્લામાં “જન ભાગીદારીથી સ્વચ્છ બની રહ્યા છે વિદ્યા મંદિરના પ્રાંગણો “

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટી બિલ્ડિંગ- શાળા, આંગણવાડી અને કોલેજોમાં યોજાશે સ્વચ્છતા ડ્રાઇવ
રાષ્ટ્રવ્યાપી ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશ અંતર્ગત દેશભરમાં અનેકવિધ થીમ હેઠળ સ્વચ્છતાલક્ષી પ્રવૃતિઓ કરાઈ રહી છે. ત્યારે આજરોજ જિલ્લામાં સોમવારે શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટી બિલ્ડિંગ, શાળા, આંગણવાડી સ્થળોની સાફ સફાઈ કરવામાં આવી હતી. આજે ચીખલી તાલુકાના વાંઝણા ગામની આંગણવાડી , જલાલપોર તાલુકાની પરસોલી ગામની પ્રાથમિક શાળા અને નવસારી તાલુકાની વાડા ગામની પ્રાથમિક શાળાના આસપાસના પરિસર સાથે રસ્તાઓની સાફ સફાઈ કરવામાં આવી હતી.
નવસારી જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા શૈક્ષણિક સંસ્થાઓની સ્વચ્છતા પર વિશેષ ભાર સાથે શેરી, મહોલ્લા, ગામ, બગીચા, તળાવ, રસ્તા, સરકારી કચેરીઓ, જાહેર સ્થળોએ સૌને સાથે જોડીને સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. દરેક જગ્યાએ સ્વચ્છતા માટે ગ્રામજનો, સખીમંડળની બહેનો સાથે મળીને રોજબરોજ સ્વચ્છતામાં લોકોની ભાગીદારી જોવા મળી રહી છે. આવો, સ્વચ્છ-નિર્મળ ગુજરાતના નિર્માણમાં આપણે સૌ જોડાઈએ.








