AHAVADANGGUJARAT

Dang: ગુજરાત સરકારના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક વિભાગ દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થા અંગે જાગૃતતા કાર્યક્રમ યોજાયો

મદન વૈષ્ણવ-ડાંગ
ગુજરાત સરકારના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ દ્વારા ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ના અનુસંધાને, વિભાગની વિવિધ યોજનાઓ સંદર્ભે આદિજાતિ વિસ્તારોમાં વિશેષ જનજાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

કાર્યક્રમના ભાગરૂપે જાહેર વિતરણ વ્યવસ્થા અંગે વિગતવાર માહિતી આપવા સાથે યોજનાકીય પ્રચાર પ્રસાર અર્થે આહવાના ડાંગ સ્વરાજ આશ્રમ આહવા ખાતે પણ એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ભારત સરકાર દ્વારા કોવિડ-૧૯ની મહામારીને લીધે ઉદભવેલ પરિસ્થિતિને કારણે સમગ્ર દેશમાં કોઈ પણ વ્યક્તિને ભૂખ્યુ ન રહેવુ પડે, અને જરૂરિયાતમંદને પૂરતુ ભોજન મળી રહે, તે માટે સંવેદનશીલ પ્રધાનમંત્રીશ્રી દ્વારા “રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદા -૨૦૧૩” (N.F.S.A) હેઠળ સમાવિષ્ટ સમગ્ર દેશની ૮૦ કરોડથી વધુ જનસંખ્યાને વિનામૂલ્યે અનાજ પૂરૂ પાડવા “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” (PMGKAY) ને એપ્રિલ – ૨૦૨૦ માં જાહેર કરવામાં આવી છે, જે સમગ્ર વિશ્વની સૌથી મોટી ખાદ્ય સુરક્ષા યોજના છે, તેમ ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇને આ પ્રસંગે જણાવ્યુ હતુ.
“પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” (PMGKAY) હેઠળ વર્ષ ૨૦૨૦–૨૧, ૨૦૨૧-૨૨ તથા ૨૦૨૨–૨૩ દરમ્યાન જુદા જુદા ૭ તબક્કામાં કુલ ૨૮ માસ સુધી રાજ્યના “રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદા” (N.F.S.A) હેઠળ સમાવિષ્ટ રાજ્યના ૭૨ લાખ કુટુંબોની ૩.૫૨ કરોડ જનસંખ્યા એટલે કે, ૫૦% થી વધુ વસ્તીને દર માસે ઘઉં, અને ચોખાના રાહતદરના નિયમિત વિતરણ ઉપરાંત પ્રતિ વ્યક્તિ ૫ કિ.ગ્રા. અનાજના જથ્થાનું વિનામૂલ્યે વિતરણ કરાયેલ છે. એપ્રિલ–૨૦૨૦ થી ડીસેમ્બર–૨૦૨૨ દરમિયાન ૨૮ માસમાં કુલ ૨૫ લાખ મે.ટનથી વધુ ઘઉં તથા ૨૧ લાખ મે.ટનથી વધુ ચોખા મળી કુલ ૪૬ લાખ મે.ટન અનાજના જથ્થાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ છે, જેની બજાર કિમંત મુજબ રૂ. ૧૨,૪૨૦ કરોડ જેટલો ખર્ચ ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા વહન કરાયેલ છે તેમ જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ વધુમા ઉમેર્યુ હતુ.

કોવીડ સમયગાળો પૂર્ણ થાય બાદ પણ દેશના રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદા-૨૦૧૩” (N.F.S.A) હેઠળના લાભાર્થીઓની અન્ન સુરક્ષા સુનિશ્ચિત થાય તે માટે ભારત સરકાર દ્વારા “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના”ને ચાલુ વર્ષના જાન્યુઆરી–૨૦૨૩ થી ડીસેમ્બર–૨૦૨૩ સુધી એટલે કે, વધુ એક વર્ષ માટે લંબાવવામાં આવેલ છે, જેમાં N.F.S.A હેઠળ સમાવિષ્ટ રાજ્યના ૮ લાખ જેટલા અંત્યોદય કુટુંબોને પ્રતિ કુટુંબ ૩૫ કિ.ગ્રા અનાજ તથા ૬૪ લાખ જેટલા અગ્રતા ધરાવતા કુટુંબોને (PHH) પ્રતિ વ્યકતિ ૫ કિ.ગ્રા. લેખે મળી કુલ ૭૨ લાખ કુટુંબોની ૩.૫૦ કરોડ કરતાં પણ વધુ જનસંખ્યાને અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહેલ છે, તેમ આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઇ ચૌધરીએ તેમના પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યુ હતુ.

અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ-ગાંધીનગરના મદદનીશ નિયામકશ્રી ડો. કીર્તિ પરમારે વિભાગ દ્વારા લાગુ કરવામા આવેલ તમામ યોજનાકીય માહિતી આપી હતી. સાથે જ રાજ્ય સરકાર દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ વિતરણ કરવામાં આવતી પ્રક્રીયાની સમજણ લોકોને પ્રેઝનટેશન મારફત પુરી પાડી હતી.

“પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” વિશેની જાણકારી, તેમજ “માય રેશન મોબાઇલ એપ્લિકેશન” અંતર્ગત નાગરિકોને રેશનકાર્ડ અંગે મળતી ઓનલાઇન સેવાઓ, ફોર્ટિફાઇડ ચોખા વિશેની માહિતી, તેના ફાયદાઓ, ડબલ ફોર્ટીફાઈડ મીઠાં વિશેની માહિતી, તેમજ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ–૨૦૧૩ ની કલમ–૨૯ અન્વયે લક્ષિત જાહેર વિતરણ વ્યવસ્થાની પારદર્શિતા અને યોગ્ય કામગીરી માટે દરેક રાજય સરકારે તકેદારી સમિતિની રચના કરવા ઠરાવવામાં આવેલ છે તે અંગે માહિતી આપી હતી.

આ કાર્યક્રમમા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ અધ્યક્ષા શ્રીમતી મયનાબેન બાગુલ, આહવા તાલુકા સદસ્ય શ્રી રતીલાલભાઇ મહાલા, જિતેન્દ્રભાઇ પવાર, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી જી.કે.મકવાણા, આહવા મામલતદાર શ્રી બી.આર.ચાવડા, વઘઇ મામલતદાર શ્રી આર.બી.ચૌધરી સહિત ડાંગ જિલ્લા સસ્તા અનાજના સંચાલકો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button