કુપોષિત રાજ્યમાં બીજા ક્રમે ગુજરાત, 5 વર્ષથી નાના 15 લાખ બાળકો કુપોષિત જોવા મળ્યો

દેશભરમાં સપ્ટેમ્બરને ‘રાષ્ટ્રીય પોષણ માસ’ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે ગુજરાતમાં કુપોષણની સ્થિતિ જોવામાં આવે તો 5 વર્ષથી નાના 15 લાખ બાળકો કમજોર (ઊંચાઇના પ્રમાણમાં ઓછું વજન) છે. નેશનલ ફેમિલી હેલ્થ સરવે (NFHS-5) અન ે ઇન્ટરનેશનલ ફૂડ પોલિસી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના આકલન મુજબ ગુજરાતમાં 15-49ના વયજૂથમાં 1.26 કરોડ મહિલાઓમાં લોહીની ઊણપ છે.
જ્યારે રાજ્યમાં 5 વર્ષથી નાના 79.7% બાળકોમાં લોહીની ઊણપ છે. જે દેશમાં સૌથી વધુ છે. 25.1% કમજોર અને 39.7% ઓછું વજન ધરાવતાં બાળકો ગુજરાતમાં છે. જે દેશમાં બિહાર બાદ સૌથી વધુ કુપોષિત બાળકોનું પ્રમાણ છે. ગુજરાતમાં આદિવાસી જિલ્લાઓ પંચમહાલ, દાહોદ, નર્મદામાં વસતિના પ્રમાણે વધુ કુપોષિત બાળકો છે. જ્યારે દાહોદ, તાપી, ડાંગમાં કુપોષિત મહિલાઓનું પ્રમાણ વધુ છે. ઉલ્લેખનીય છે કે અગાઉ રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અભ્યાસમાં તારણ સામે આવ્યું હતું કે ગુજરાતમાં સરેરાશ માત્ર 33 ટકા માતા બાળક જન્મે તેના એક કલાકમાં સ્તનપાન કરાવે છે.
કુપોષણ સૌથી મોટો પડકાર
નેશનલ ફેમિલી હેલ્થ સરવના તારણો અનુસાર રાજ્યમાં આદિવાસી જિલ્લાઓમાં કુપોષણનું પ્રમાણ સૌથી વઘારે છે. આ જિલ્લાઓમાં દાહોદ, તાપી, ડાંગ મોખરે છે. રાજ્યમાં 5 વર્ષથી ઓછી વયના 23.39 બાળકો એવા છે જેમનો શારીરિક વિકાસ કુપોષણને કારણે રુંધાઈ ગયેલો છે. જ્યારે 43 લાખ બાળકોમાં લોહીની ઉણપ છે.
કેન્દ્ર સરકારે લોકસભામાં આપેલી માહિતી મુજબ ગુજરાતને કેન્દ્ર સરકાર દ્વારા 2018-19થી 2022-23 સુધીનાં પાંચ વર્ષ દરમિયાન 304 કરોડ રૂપિયા પોષણ અભિયાન હેઠળ ફાળવવામાં આવ્યા હતા. જેમાંથી 296 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. તેમ છતાં ગુજરાતમાં પોષણની સ્થિતિમાં સુધાર જોવા મળ્યો નથી.
| આદિવાસી જિલ્લાઓમાં મહિલાઓ વધુ કુપોષિત | |
| 5 વર્ષથી નાના બાળકોમાં કુપોષણ | |
| લક્ષણ | સંખ્યા |
| કુંઠિત | 23.39 લાખ |
| કમજોર | 15.09 લાખ |
| અતિ કમજોર | 6.31 લાખ |
| ઓછું વજન | 23.79 લાખ |
| લોહીની ઊણપ | 43.32 લાખ |
| 15-49 વર્ષની મહિલાઓમાં કુપોષણ | |
| લક્ષણ | સંખ્યા |
| ઓછું વજન | 47.95 લાખ |
| લોહીની ઊણપ | 1.26 કરોડ |
| વધુ વજન કે મેદસ્વી | 46.63 લાખ |
| આદિવાસી જિલ્લામાં મહિલાઓ વધુ કુપોષિત | ||
| જિલ્લો | લોહીની ઊણપ | ઓછું વજન |
| દાહોદ | 4.72 લાખ | 2.44 લાખ |
| તાપી | 2.16 લાખ | 98 હજાર |
| ડાંગ | 53 હજાર | 23 હજાર |
| સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સૌથી ઓછું પ્રમાણ | ||
| અમરેલી | 2.48 લાખ | 90 હજાર |
| જામનગર | 3.58 લાખ | 1.22 લાખ |
| પોરબંદર | 91 હજાર | 30 હજાર |
| (નોંઘઃ 15-49 વર્ષની મહિલાઓનો સમાવેશ. વસતિના પ્રમાણના વધુ/ઓછું કુપોષણ ધરાવતા જિલ્લાનો ઉલ્લેખ છે) | ||










