GUJARATJETPURRAJKOT

વિદ્યાર્થીઓને નિદર્શનના માધ્યમથી ડ્રાઇવીંગની ભૂલો સમજાવીઃવાહનચાલકોને ગુલાબનું ફૂલ આપી નિયમપાલન કરવા અનુરોધ

તા.૫/૮/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજકોટ: ટ્રાફિક નિયમો વિશે જાગૃતિ લાવવા માટે રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અર્પિત ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે ‘ટ્રાફિક અવેરનેસ સેમીનાર’ યોજાયો હતો. જે દરમ્યાન ટ્રાફિક પોલીસે વિદ્યાર્થીઓને રસ્તા પર લઈ જઈ વાહનચાલકોથી થતી ભૂલો નિદર્શનના માધ્યમથી સમજાવી હતી તેમજ વિદ્યાર્થીઓએ વાહનચાલકોને ગુલાબનું ફૂલ આપીને નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો હતો.

રાજકોટ શહેર ટ્રાફિક પોલીસના પોલીસ ઇન્સ્પેકટરશ્રી ભાર્ગવસિંહ ઝણકાટે સ્કુલના આશરે ૧૨૦ વિદ્યાર્થીઓને માર્ગ સલામતી અંગે જાગૃતિ આવે તે માટે તલસ્પર્શી વિગતો સાથેનો સંવાદ કરીને તેમને ટ્રાફિકના નિયમોનું પાલન, હેલ્મેટની અનિવાર્યતા, ૧૮ વર્ષથી નાના વિદ્યાર્થીઓએ વાહન ચલાવવું નહીં તથા વાહન સંબધિત ડોક્યુમેન્ટ સાથે રાખવા અને ડ્રાઇવિંગ લાયસન્સનું મહત્વ, ચાલુ ડ્રાઇવિંગે મોબાઈલનો ઉપયોગ ન કરવો, ટ્રાફિક સિગ્નલનું ચુસ્તપણે પાલન કરવું, રીઅર વ્યુ મિરરનો ઉપયોગ કરવો, ઓવર સ્પીડમાં, રોંગ સાઈડમાં વાહન ન ચલાવવું, ઈ- મેમો અંગે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ તેમના ઘરના તમામ સદસ્યોને ટ્રાફિક નિયમો અંગે સમજાવી અને દેશના જવાબદાર નાગરિક બનવા માટે અપીલ કરી હતી. વિદ્યાર્થીઓમાં વધતા જતા સોશિયલ મીડિયાના વિવેકપૂર્ણ ઉપયોગ સાયબર ક્રાઈમ અંગે જાગૃતિ, વ્યસનમુક્તિ, પોકસો વગેરે કાયદાઓ અંગે તેમજ યુવાઓને યોગ્ય દિશા મળે તે માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે પ્રોત્સાહિત કર્યા હતાં.

આ ઉપરાંત શ્રી ઝણકાટે વિદ્યાર્થીઓને રાજકોટ-મોરબી હાઇવે પર લઈ જઈને વાહનચાલકોથી થતી ભૂલો સમજાવી હતી. ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર લોકોને વિદ્યાર્થીઓએ ગુલાબનું ફૂલ આપી ટ્રાફિક નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ વાહનચાલકોને પોતાની સુરક્ષા માટે હેલ્મેટ પહેરવા તથા સીટબેલ્ટ બાંધવાનો સંદેશ આપ્યો હતો. બાળકોના અનુરોધને સ્વીકારીને વાહન ચાલકોએ હવેથી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અંગે બાળકોને ખાતરી આપી હતી.

આ કાર્યક્રમમાં પી.એસ.આઈ.શ્રી પી.એલ.ધામા, અર્પિત નર્સિંગ કોલેજના ડાયરેક્ટરશ્રી ડો.નવીન કુમાર, અર્પિત બી.એડ કોલેજના પ્રિન્સિપાલશ્રી ડો. હરેશકુમાર વાઘેલા, પ્રિન્સીપાલશ્રી ધવલભાઈ ભડાણીયા, અર્પિત ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલશ્રી નેન્સીબેન ગઢવી તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button