“મારી માટી, મારો દેશ” અભિયાન હેઠળ કોટડાસાંગાણીના નવી મેંગણી પ્રાથમિક શાળા ખાતે માજી સૈનિકોનું કરાયું સન્માન

તા.૯/૮/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ભારતનો દરેક નાગરીક માતૃભૂમિ સાથે મજબુત રીતે જોડાયેલો રહે તે માટે સમગ્ર દેશમાં ૯મી ઓગસ્ટથી “મારી માટી, મારો દેશ – માટીને નમન વીરોને વંદન” અભિયાનો પ્રારંભ થયો છે. જે અન્વયે રાજકોટ જિલ્લાની કોટડાસાંગાણી તાલુકાના નવી મેંગણી ગામ ખાતે “મારી માટી, મારો દેશ” કાર્યક્રમ યોજાયો હતો.

આ તકે નવી મેંગણી ગ્રામ પંચાયત દ્વારા વીર શહીદોને યાદ કરીને તેની સ્મૃતિમાં બનાવેલ શિલાફલકમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમજ પંચ પ્રણ પ્રતિજ્ઞા લઈને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ગામના માજી સૈનિક શ્રી મણિલાલ અકવાલીયા, શ્રી લાલજીભાઈ સોંદરવા અને શ્રી સુખાલાલ ટીલાળાનું સન્માન કરવામાં આવ્યું હતું. જેઓએ કારગીલ યુદ્ધ સમયની યાદો તાજા કરીને પોતાની આપવીતી જણાવી હતી અને વિદ્યાર્થીઓને સમય આવ્યે માતૃભૂમિનું ઋણ અદા કરવા પ્રેરણા આપી હતી. શાળાના શિક્ષકશ્રી નલિનભાઈ સાકરીયાએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. આ કાર્યક્રમમાં નવી મેંગણી ગામના સરપંચશ્રી પ્રફુલ્લભાઈ શિંગાળા, આચાર્યશ્રી દિલીપભાઈ રાઠોડ, ગ્રામ પંચાયતના સભ્યો, ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.









