ગુજરાત યુનિવર્સિટી ઉત્તરવહી કૌભાંડમાં હવે ABVPના એક મોટા યુવા નેતાનું નામ સામે આવ્યું

ગુજરાત યુનિવર્સિટીમાં B.Sc. નર્સિંગના ચોથા વર્ષની ઉત્તરવહીઓ સ્ટ્રોંગ રૂમમાંથી ગુમ થવાના મામલે આ સમગ્ર કૌભાંડમાં હવે ABVPના એક મોટા યુવા નેતાનું નામ સામે આવ્યું છે. આ નેતાનું નામ સની ચૌધરી છે. પણ ABVPએ આ સમગ્ર મામલે હાથ ઉંચા કરી દીધા છે અને સની ચૌધરીને ABVPમાંથી કોઈ પણ જવાબદારી આપી ન હોવાનું કહ્યું છે.
ABVP ભલે કહે કે સની ચૌધરીને કોઈ જવાબદારી નથી આપી. જો કે ઉત્તરવહી કૌભાંડમાં જેની કથિત સંડોવણી હોવાનું કહેવામાં આવી રહ્યું છે એ સની ચૌધરી ભાજપનો સભ્ય છે અને ABVPનો સક્રિય કાર્યકર છે, એવું તેના ફેસબૂક એકાઉન્ટ પરથી સ્પષ્ટ લાગી રહ્યું છે.
સની ચૌધરીના ફેસબુક એકાઉન્ટ મુજબ તે ગુજરાત ક્રિકેટ એસોસિએશનનો સભ્ય છે. ગ્લોબલ એજ્યુકેશન ટ્રસ્ટનો ટસ્ટ્રી છે, ABVPમાં મણિનગર ભાગનો મંત્રી છે. ABVPના ગુજરાત યુનિવર્સિટી કેમ્પસનો પ્રમુખ છે. આ ઉપરાંત ABVPમાંથી નારણપુરા વિધાનસભાનો પણ પ્રમુખ છે અને RSS સાથે પણ સંકળાયેલો છે. સની ચૌધરી મૂળ ઉત્તરપ્રદેશના મુઝફ્ફરપુરનો રહેવાસી છે અને હાલ અમદાવાદમાં વસવાટ કરી રહ્યો છે.
આ તો તેની ફેસબૂક પ્રોફાઈલમાં તેણે રજૂ કરેલી માહિતી છે, પણ ફેસબૂકમાં પણ તેણે અનેક એવા ફોટો શેર કરેલા છે, જેના પરથી જાણવા મળે છે કે સની ચૌધરી ABVPનો સક્રિય કાર્યકર અને મોટો નેતા છે.ભાજપના મોટા નેતાઓ સાથેના ફોટોઝ પણ સની ચૌધરીએ શેર કરેલા છે.
ગુજરાત યુનિવર્સિટીમાં B.Sc. નર્સિંગના ચોથા વર્ષની ઉત્તરવહીઓ ગુમ થવા અંગે યુનિવર્સિટીના ડેપ્યુટી રજિસ્ટ્રારે ગત 12 જુલાઈના રોજ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસ તપાસ ચાલી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ સમગ્ર કૌભાંડમાં પોલીસની પ્રાથમિક તપાસમાં સની ચૌધરીનું નામ સામે આવ્યું છે, જો કે આ મામલે હજી પોલીસનું કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.










