વાત્સલ્યમ્ સમાચાર.
બ્યુરોચીફ :- બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-ભુજ કચ્છ.
ભુજ,તા-29 એપ્રિલ : કચ્છ જિલ્લાની તિજોરી ખાતેથી બેન્ક મારફતે પેન્શન મેળવતા પેન્શનરોએ નિયમોનુસાર દર વર્ષે મે-જુન-જુલાઇ માસમાં હયાતીની ખરાઈ કરાવવાની રહે છે. જેથી જે પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવેલ ન હોય તે પેન્શનરોએ જે શાખામાં ખાતું હોય તે બેન્ક શાખામાં જઈને નિયત નમૂનાના ફોર્મમાં બેન્ક સત્તાવાળાની રૂબરૂમાં સહી કરીને હયાતીની ખરાઈ કરાવવાની રહે છે.બેન્ક શાખા ઉપરાંત પેન્શનર પોતાની હયાતીની ખરાઈ જીવનપ્રમાણ પોર્ટલ પરથી અથવા તેની મોબાઈલ એપ્લિકેશન પરથી ઓનલાઈન કરાવી શકે છે. જે અંગેની માર્ગદર્શિકા વેબસાઈટ www.treasurykutch.blogspot.com પર મૂકવામાં આવેલી છે.આ ઉપરાંત, પેન્શનરો ટપાલી / ગ્રામીણ ડાક સેવક મારફતે ઘર આંગણે જીવનપ્રમાણ પોર્ટલ પર હયાતીની ખરાઈ કરાવી શકે તે માટે ટપાલ વિભાગ દ્વારા સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી છે. આ માટે નજીકની પોસ્ટ ઓફિસ / ઇન્ડીયન પોસ્ટ પેમેન્ટ બેન્કનો સંપર્ક કરવો અથવા Post Info નામની મોબાઈલ એપ્લિકેશન પર નોંધણી કરાવી શકે છે. જે માટે નિયત કરેલી ફી રૂ.૭૦/– (સિત્તેર) ચૂકવવાની રહે છે.જે પેન્શનરો દ્વારા જુલાઈ માસ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવામાં ન આવે અથવા હયાતીની ખરાઈ કરાવેલ હોય પણ તેનું ફોર્મ બેન્ક દ્વારા તિજોરીમાં મોકલવામાં ન આવે તો તેવા પેન્શનરનું ઓગષ્ટ-૨૦૨૪થી પેન્શનનું ચૂકવણું બંધ કરવામાં આવશે.પેન્શન શરૂ કરાવતી વખતે જે શાખા તિજોરી કચેરીના રેકોર્ડમાં નોંધાવવામાં આવેલ હશે તે બેન્કની શાખામાં હયાતીની ખરાઈનું ફોર્મ મોકલવામાં આવ્યું છે. પેન્શનર દ્વારા પ્રથમ પેન્શન મળ્યા બાદ તિજોરી કચેરીને જાણ કર્યા વગર બારોબાર બેન્ક શાખા બદલાવવામાં આવેલી હોય તો તે અંગેની જવાબદારી તિજોરી કચેરીની રહેશે નહીં તેમ કચ્છ જિલ્લા તિજોરી અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.









