
આણંદ જિલ્લામાં કેટલાંક ગામો ખાતે ઝાડા-ઊલ્ટીના કેસો જોવા મળ્યા.
તાહિર મેમણ – 10/06/2024- આણંદ જિલ્લામાં કેટલાંક ગામો ખાતે ઝાડા-ઊલ્ટીના કેસો જોવા મળતાં જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ત્વરિત અને અસરકારક કામગીરી હાથ ધરીને સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે જરૂરી તમામ કામગીરી કરવામાં આવી છે.
આણંદ પાસેના ચિખોદરા-ધડસાપુરા વિસ્તારમાં ઝાડા-ઉલ્ટીના કેસો મળી આવતા અસરગ્રસ્ત સ્થળોની તેમજ ઝાડા-ઉલ્ટીની સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ, આણંદમાં દાખલ કરાયેલા દર્દીઓની જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિલિંદ બાપના એ મુલાકાત લઈ ખબર અંતર પૂછ્યાં હતાં.
આ મુલાકાત દરમિયાન ચિખોદરા-ધડસાપુરાના અસરગ્રસ્ત વિસ્તારની સ્થિતિને ધ્યાને લઈ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ ફરજ પર હાજર તમામ આરોગ્ય કર્મીઓ, સરપંચ, તલાટી, વિસ્તરણ અધિકારીને ગ્રામ પંચાયત ઓફિસ ખાતે મીટીંગ કરી ઝાડા-ઉલ્ટીના કેસો અંગે ચર્ચા કરી વિસ્તૃત જાણકારી મેળવી હતી અને ગામમાં પાણી લીકેજીસ હોય તો તાત્કાલિક રીપેરીંગ કરવા તથા ઝાડા-ઉલ્ટીના દર્દીઓને તાકીદે સારવાર આપવા અને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવા સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ, આણંદ ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓની રૂબરુ મુલાકાત લીધી હતી.