
16-જુલાઈ
વાત્સલ્યમ્ સમાચાર
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ
વીસ ગામોમાં સામૂહિક વૃક્ષારોપણ કરવામાં આવ્યું, 10,000 થી વધુ વૃક્ષારોપણ કરવાનું લક્ષ્ય.
લખપત કચ્છ:- સરહદી વિસ્તાર એવા લખપત તાલુકાના દયાપર ગામે મોડર્ન સ્કૂલ મધ્યે અદાણી ફાઉન્ડેશન, સામાજિક વનીકરણ રેન્જ દયાપર અને શ્રી ભગવતી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યું હતું. તેમજ દયાપરના આજુ-બાજુના વીસ થી વધુ ગામો માટે ઘર આંગણે વૃક્ષો વાવવા માટે વૃક્ષ રથને લીલી ઝંડી આપવામાં આવી હતી.

આ પ્રસંગે દયાપર તાલુકાના મામલતદાર શ્રી એ એ હાસમી દ્વારા વૃક્ષરથ કાર્યક્રમની પ્રશંસા કરી ને જણાવ્યું હતું કે આ છેવાડાના સૂકા વિસ્તારમાં વનીકરણની પ્રવૃત્તિ થાય એ ખૂબ આનંદની વાત છે, વધુ ને વધુ લોકો આ ચળવળમાં જોડાય એ અંગે પ્રોત્સાહિત કર્યા હતા. દયાપર રેન્જ ફોરેસ્ટ ઓફિસર બી.એન.દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે વૃક્ષો વાવવા અને તેની કાળજી રાખવા વિદ્યાર્થીઓએ આગળ આવવું જોઈએ. અદાણી ફાઉન્ડેશન અને સામાજિક વનીકરણ રેન્જ દયાપર સાથે રહી ૧૦,૦૦૦ થી વધુ વૃક્ષોનું વિતરણ કરીશું, વધુમાં જણાવેલ કે દરેક ઘરે એક એક વૃક્ષ વવાય અને એનો ઉછેર થાય તો કરોડો વૃક્ષ વાવી શકાશે. શાળાના આચાર્ય સંજયભાઈ વૃક્ષોનું મહત્વ સમજાવ્યુ હતું અને સંકલ્પ લેવડાવ્યો હતો.અદાણી ફાઉન્ડેશનના પંક્તિબેન શાહે જણાવ્યું હતું કે અંતરિયાળ વિસ્તારમાં સૌના સહિયારા પ્રયાસ થકી ઉત્તમ પર્યાવરણીય કામો થઈ શકશે. શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ મામલતદાર સાહેબ ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વૃક્ષ રથને ઉપસ્થિત તમામ મહેમાનો અને શાળા પરિવાર તથા વિદ્યાર્થીઓ ની હાજરીમાં લીલી ઝંડી આપવામાં આવી હતી.

આજે પ્રથમ દિવસે દયાપર કામે વૃક્ષરથ ફેરવવામાં આવ્યું હતું જેમાં એક હજાર વૃક્ષ વિતરણ કરવામાં આવ્યા હતા. વૃક્ષરથ આવતા 10 દિવસ સુધી દયાપર ના આજુબાજુના ગામોમાં વૃક્ષોનો નિશુલ્ક વિતરણ કરશે. શ્રી ભગવતી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ ના પ્રમુખ જબ્બરદાન ગઢવીએ કાર્યક્રમની આભાર વિધિ કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા સામાજિક વનીકરણ રેન્જ દયાપર અને અદાણી ફાઉન્ડેશન ટીમ તથા શ્રી ભગવતી ગ્રામ્ય ટ્રસ્ટ જહેમત ઉઠાવી હતી.







