AHAVADANG

આંતરરાષ્ટ્રીય મિલેટ્સ ઈયર’ થી શ્રીધાન્યની અવનવી પૌષ્ટિક વાનગીઓ અપનાવી નિરોગી જીવન તરફ ડગ

વાત્સલ્યમ સમાચાર – મદન વૈષ્ણવ
વિશ્વ આખુ આંતરરાષ્ટ્રીય મિલેટ્સ ઈયરની ઉજવણી કરી, સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલીની ખોજ કરી રહ્યું છે. ત્યારે આપણે પણ સ્થાનિક કક્ષાએ ઉપલબ્ધ શ્રીઅન્નને, આપણા રોજિંદા ભોજનમાં સામેલ કરી, રોગમુક્ત રહી આ ઉજવણીને સાર્થક કરીએ.

સિરિધાન્યમાંથી અંબાલી, ઊપમા, ખીચડી, પુલાવ, શીરો, ઈડલી વિગેરે મનગમતી આઇટમ બનાવીને, આ ધાન્ય ખાવાની શરૂઆત કરી શકાય. શરૂઆતમાં ઘઉંના લોટ સાથે જુવાર કે રાગીનો લોટ મિક્સ કરી રોટલી બનાવીએ. ખીચડી કે પુલાવમાં ચોખાની જગ્યાએ વરી-કોદરો વાપરી શકાય. ઈડલીમાં ચોખાની જગ્યાએ રાગી, ઊપમા બનાવવા માટે રવાની જગ્યાએ કાંગનો લોટ વાપરીએ.

આ પાંચ સકારાત્મક ધાન્યો સમગ્ર માનવજાતે મુખ્ય અનાજ તરીકે લેવા જોઈએ, તેવો નિષ્ણાંતોનો અભિપ્રાય છે. આ ધાન્ય ગ્લુકોઝના અસંતુલનને દૂર કરવામાં મદદ કરે છે. આ ધાન્યોમાં કાર્બોહાઈડ્રેટ-ટુ-ફાઇબર રેશિયો વધુ હોવાને કારણે તેને ૬-૮ કલાક પાણીમાં પલાળી રાખવાની જરૂર છે.

એક સમય હતો જ્યારે લોકો ઘઉંની સાથે સાથે બીજા અનાજ જેવા કે જઉં, જુવાર, મકાઈ, બાજરો વિગેરે ભેળવીને બનેલા લોટના રોટલા ખાતા હતા. જેને લીધે તેઓ સ્વાસ્થ્યપ્રદ અને ખુશહાલ જીવન જીવતા હતા. જ્યારે અત્યારના સમયમાં માત્ર ઘઉંના લોટની જ રોટલી ખાવામાં આવે છે. એવામાં લોકોને જરૂરી માત્રામાં પ્રોટીન અને અન્ય તત્વો નથી મળતા.

હલકા ધાન્યોને ખૂબ જ પૌષ્ટિક માનવામાં આવે છે. હલકા ધાન્યોમાં કેલ્શિયમ, વિટામિન્સ, મેન્ગેનીઝ, ફોસ્ફરસ, આયરન, પ્રોટીન, ફાઈબર અને બીજા અનેક જરૂરી તત્વો મળી આવે છે. જે શરીર માટે ખુબ જ ફાયદેમંદ છે. આજે અહીં હલકા ધાન્યો ખાવાથી થતા એવા ફાયદા વિશે જાણીએ, જેને જાણીને આપણે પણ હલકા ધાન્યો ખાવાનું શરૂ કરી દઇશું, જેમાં કોઈ બેમત નથી.

૧) વધારે છે એનર્જી :

હલકા ધાન્યના રોટલા સ્વાદમાં જેટલા સ્વાદિષ્ટ હોય છે, સ્વાસ્થ્ય માટે તેટલા જ ફ્રાયદેમંદ પણ છે. ઘઉં અને ચોખાની તુલનામાં હલકા ધાન્યમાં અનેક ગણી એનર્જી હોય છે. જેમાં બાજરાના રોટલા ઘીની સાથે ખાવાથી તેનું ન્યુટ્રીશન અનેકગણું વધી જાય છે. તેના નિયમિત સેવનથી શરીર મજબૂત અને શક્તિશાળી બને છે. ૨) ગર્ભવતી મહિલાઓ માટે ફાયદેમંદ :

ગર્ભવતી મહિલાઓ માટે હલકા ધાન્ય ખુબ જ ફાયદેમંદ રહે છે. બાજરાની ખીચડી કે રોટલા ખાવાથી મહિલાના શરીરમાં આયર્ન અને કેલ્શિયમની ખામી દૂર થઇ જાય છે. આ સિવાય ડિલિવરીના સમયે થતા દર્દથી પણ રાહત મળી શકે છે. આ સિવાય સ્તનપાન કરાવતી મહિલાઓને જો દૂધ નથી બની રહ્યું, તો બાજરાનું સેવન દૂધની માત્રા વધારવામાં મદદ કરે છે.

૩) મોટાપાને કરે છે દૂર :
જો તમે પણ તમારા વધતા જઈ રહેલા વજનને ઓછું કરવા માંગો છો તો હલકા ધાન્યનું સેવન તમને ફાયદો આપી શકે છે. તેમાં ટ્રિપ્ટોફન નામનું એમિનો એસિડ હોય છે, જેનાથી પેટ ભરેલું ભરેલું લાગે છે, અને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. જેને લીધે વજનને કંટ્રોલ કરવામાં મદદ મળી રહે છે.

૪) હાડકાની મજબૂતી માટે :
હલકા ધાન્યો કેલ્શિયમનો ભરપૂર સ્ત્રોત માનવામાં આવે છે. જે બાળકો અને વૃદ્ધોમાં હાડકાને મજબૂતી આપે છે. કેલ્શિયમની ખામીને લીધે ઓસ્ટિયોપોરોસીસ નામનો રોગ થાય છે, જે હલકા ધાન્યના સેવનથી દૂર થાય છે.

૫) હૃદયની તંદુરસ્તી માટે :
હલકા ધાન્યો મેગ્નેશિયમ અને પોટેશિયમનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. જે કોલેસ્ટ્રોલના લેવલને ઓછું કરે છે, અને હૃદયને તંદુરસ્ત રાખે છે. હલકા ધાન્યનું સેવન હૃદયની બીમારીઓના જોખમને ઓછું કરે છે, અને બ્લડ પ્રેશરને પણ નિયંત્રણમાં રાખે છે.

૬) પાચનક્રિયા માટે મદદરૂપ :
હલકા ધાન્યમાં ફાઈબર ભરપૂર માત્રામાં મળી આવે છે, જે પાચનક્રિયાને યોગ્ય બનાવે છે. જેને લીધે કબજિયાત, ગેસ, એસીડીટી વિગેરે જેવી બીમારીઓથી છુટકારો મળે છે.

૭) ડાયાબીટીસ માટે ફાયદેમંદ :
નિયમિત રૂપે હલકા ધાન્યો ખાવા એ ડાયાબિટિસના દર્દીઓ માટે ખુબ ફાયદેમંદ છે. હલકા ધાન્ય લોહીમાં શુગરની માત્રાને કંટ્રોલ રાખવામાં મદદ કરે છે. માટે ડાયાબિટીસના દર્દીઓ માટે બાજરો એક વરદાન સમાન છે.

૮) મગજને રાખે છે શાંત : હલકા ધાન્યો ખાવાથી અંદરથી શાંતિ મળે છે. તે ડિપ્રેશન, તણાવ, ઊંઘ ન આવવી વિગેરે જેવી સમસ્યાઓને દૂર કરે છે. જેમાં બાજરામાં મેન્ગેનિશ્યમ તત્વ મળી આવે છે, જે માથાનો દુખાવો અને માઈગ્રેનમાં રાહત આપે છે.

[wptube id="1252022"]
Back to top button