
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડેરી ઉધોગ તાલીમ ભવન–વઘઈ ખાતે આંતરરાષ્ટ્રીય હલકા ધાન્ય વર્ષ ૨૦૨૩ (મિલેટ વર્ષ)ની ઉજવણીનાં ભાગ રૂપે જિલ્લા પંચાયત ડાંગની ખેતીવાડી શાખા દ્રારા નેશનલ ફૂડ સિક્યુરિટી મિશન યોજના હેઠળ રાગી અને તુવર મિનીકિટ વિતરણ સાથે ક્રોપીગ સિસ્ટમ બેઈઝ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.
ડાંગ જિલ્લાનાં ધારાસભ્ય તેમજ ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલનાં અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમ દરમ્યાન વઘઈ તાલુકામાં રાગી ૬૯૫ અને તુવર ૨૬૨ કિટનું વિતરણ કરાયું હતું.
કાર્યક્રમમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તેમજ હલકા ધાન્ય ખરીફ ખેતપધ્ધતિ વિષે આત્મા તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર–વઘઈનાં વૈજ્ઞાનિકશ્રીઓ દ્રારા માર્ગદર્શન આપ્યું હતું .
આ પ્રસંગે નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે પાક વાવણીને અનુરૂપ પાકોનું આયોજન કરવા માટે ખેડૂતોને આગ્રહ કર્યો હતો. પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે નાના ચેકડેમ બનાવી આ સમસ્યાના નીરાકરણની પહેલ કરી હતી. સાથે તૃણ ધન્ય પાકોના ખોરાકમાં મહત્વ ઉપર ભાર આપવામાં આવ્યો હતો.
પ્રાકૃતિક ડાંગ જિલ્લામાં તૃણ ધન્ય પાકોનું ઉત્પાદન વધારવા વૈજ્ઞાનિક પદ્ધતિથી વાવેતર કરવા તેમજ સરકારશ્રી દ્રારા ચાલતી વિવિધ યોજનાનો લાભ મેળવી સધ્ધરતા તરફ આગળ વધવા પણ તેમણે ખેડૂતોને અનુરોધ કર્યો હતો.
પ્રગતીશીલ ખેડૂત મંગલેશભાઈએ મિલેટ પાકોની ખેતી કરી તંદુરસ્ત આહાર મેળવે એ જરૂરી છે તેમ જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ડાંગનાં ઉત્પાદન સહકાર અને સિચાઈ સમિતિનાં અધ્યક્ષશ્રી સવિતાબેન, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી હર્ષદભાઈ પટેલ, ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવિત, મહામંત્રી શ્રી દિનેશભાઈ તેમજ વઘઈ તાલુકાનાં કારોબારી અધ્યક્ષ શ્રી જીતેન્દ્ર પવાર, તાલુકા સદસ્યશ્રીઓ ચંદરભાઈ, નેહાબેન, મહામંડળનાં પ્રમુખ પંકજભાઈ, પ્રકાશભાઈ, મદદનીશ ખેતી નિયામક શ્રી વિજયભાઈ, ગ્રામસેવક અને મોટી સંખ્યામાં ખેડૂત લાભાર્થીઓ હાજર રહ્યા હતા.