
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાના ગામડાઓમાં ધીરેધીરે ચોમાસાની ઋતુ જામી રહી છે.છેલ્લા કેટલાક દિવસોથી ડાંગ જિલ્લાના ગામડાઓમાં ક્યાંક ઝરમરીયો તો ક્યાંક છૂટોછવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.શનિવારે ડાંગ જિલ્લાનાં વઘઇ અને આહવા સહિત પૂર્વપટ્ટી પંથકનાં ગામડાઓમાં ધોધમાર વરસાદ પડતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી.જ્યારે સુબિર પંથકમાં મધ્યમ સ્વરૂપેનો વરસાદ પડ્યો હતો.ડાંગ જિલ્લાનાં સાપુતારા તથા શામગહાન પંથકમાં ઝરમરીયો વરસાદ પડતા વાતાવરણ આહલાદક બની જવા પામ્યુ હતુ.વરસાદી માહોલમાં ગિરિમથક સાપુતારા ખાતે શનિવારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા હોટલીયરોનાં બખા થઈ જવા પામ્યા હતા.
સાપુતારા ખાતે વરસાદી માહોલમાં જોવાલાયક સ્થળોનું વાતાવરણ આહલાદક બની જતા ફરવા આવેલ પ્રવાસીઓનો ઉન્માદ બેવડાયો હતો.સાપુતારા ખાતે વરસાદી મહોલની વચ્ચે ગાઢ ધુમ્મસિયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા દ્રશ્યો મનમોહક બન્યા હતા.વધુમાં વરસાદી માહોલમાં સાપુતારા ઘાટમાર્ગનાં યુટર્ન વળાંકમાં એક લોડિંગ ટ્રક ખોટકાઈ જતા અહી સમયાંતરે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી..