
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ જિલ્લા અધિકારીઓને પોતાના વિકાસ કામો, લક્ષપૂર્તિ જેવી બાબતોથી મંત્રીશ્રી સહિતના પદાધિકારીઓને સાચી અને સ્પષ્ટ વિગતો રજૂ કરવા, અને આવી બાબતે ગેરમાર્ગે નહિ દોરવાની તાકીદ કરી હતી.
આગામી ચૂંટણી તથા ચોમાસાની ઋતુને ધ્યાને લેતા વિકાસ કામો સમય મર્યાદામાં પૂર્ણ થાય તેવું સધન આયોજન કરવાની સૂચના આપતા મંત્રીશ્રીએ, રદ થયેલા કે હેતુફેર કરાયેલા કામોની સ્પષ્ટ વિગતો રજૂ કરવા પણ અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી.
ડાંગ જિલ્લાના જુદા જુદા વિભાગ/કચેરીના અમલીકરણ અધિકારીઓ હસ્તક ચાલતા કામો, યોજનાઓની સમીક્ષા કરતા પ્રભારી મંત્રીશ્રીએ વિભાગવાર કામોની સૂક્ષ્મ સમીક્ષા હાથ ધરી જિલ્લા અધિકારીઓને પારદર્શક વહિવટ માટેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ગિરિમથક સાપુતારા ખાતે હોટલ તોરણ રીસોર્ટ્સના કોન્ફરન્સ હોલમાં આયોજિત વિકાસ કામોની સમીક્ષા બેઠકને સંબોધતા પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ જુદા જુદા સદરે ફાળવાતી કામોની ગ્રાન્ટ સમય મર્યાદામાં પૂર્ણ કરી, જિલ્લાના વિકાસ કામો-યોજનાઓ અવરોધાય નહીં તેની તકેદારી દાખવવા પણ સૂચના આપી હતી.
આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની શાળાઓમા શિક્ષકોની નિયમિતતા સહિતની ચકાસણી કરવાની સૂચના આપતા મંત્રીશ્રીએ, પ્રધાનમંત્રીશ્રીના સિકલસેલ-એનીમિયા નિર્મૂલન કાર્યક્રમની વિગતો મેળવી, જિલ્લાની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. મંત્રીશ્રીએ જિલ્લાના મુખ્ય વિભાગોના અધિકારીઓની ખાલી જગ્યાઓની પણ વિગતો મેળવી હતી.
ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા મંત્રીશ્રીએ તેમના પ્રવાસ કાર્યક્રમ દરમિયાન સાપુતારાની તળેટીમાં આવેલા બરમ્યાવડ ખાતેની પ્રાથમિક શાળાની મુલાકાત લઈ અંહીના શિક્ષણની ગુણવત્તાઓ પણ ચકાસી હતી.
ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક-વ-ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ, અને ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિતે વિકાસ કામોની સમીક્ષા કરતા, જિલ્લાના અમલીકરણ અધિકારીઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યુ હતું. જનપ્રતિનિધિઓએ જિલ્લાના સરહદી વિસ્તારોની ચેકપોષ્ટ ઉપર વીજ સુવિધા પહોંચાડવાની જરૂરિયાત ઉપર પણ ભાર મુક્યો હતો.
દરમિયાન મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિ, નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલ, અને પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિતે જિલ્લાને મળેલા ‘ભૂમિ સન્માન એવોર્ડ’ બદલ કલેક્ટર શ્રી મહેશ પટેલનું અભિવાદન કર્યું હતું.
જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલ તથા જિલ્લા વિકાસઅધિકારી શ્રી આર.એમ.ડામોરે મંત્રીશ્રીને પૂરક વિગતો પૂરી પાડી જિલ્લાના કામોથી વાકેફ કર્યા હતા. નિવાસી અધિક કલેક્ટર શ્રી એસ.બી.તબિયાડ તથા જિલ્લા આયોજન અધિકારીશ્રીએ બેઠકની કાર્યવાહી સંભાળી હતી.








