
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ભાવિ પેઢીને સ્વસ્થ અને તંદુરસ્ત જીવન શૈલી આપવાની જવાબદારી આપણા સૌની છે તેમ, ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે ડાંગના આંગણે યોજાયેલા જિલ્લા કક્ષાના ‘રવિ કૃષિ મહોત્સવ’ વેળા જણાવ્યું હતું.
કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી ડાંગની પરંપરાગત ખેત પદ્ધતિને પુનઃ જીવિત કરી નાગલી જેવા શ્રી ધાન્યનું મહત્વ સ્વીકારી સૌને સો ટકા પ્રાકૃતિક ખેતી અપનાવવાનું પણ શ્રી પટેલે આ વેળા આહવાન કર્યું હતું. જિલ્લાના સફળ ખેડૂતોના સ્વાનુભાવોમાંથી પ્રેરણા લઈ, જિલ્લાના ખેડૂતોને આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની હાંકલ કરતા શ્રી વિજયભાઈ પટેલે, કૃષિ તજજ્ઞોના માર્ગદર્શન સાથે, પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા અપીલ કરી હતી.
યોજનાકીય લાભો સાથે ધરતીની ફળદ્રુપતા વધારવાના પ્રયાસોની હિમાયત કરતા નાયબ દંડકશ્રીએ સરકારની કલ્યાણલક્ષી યોજનાઓના સદુપયોગ સાથે આર્થિક, અને સામાજિક ઉત્કર્ષ સાધવાની પણ હાંકલ કરી હતી.
કાર્યક્રમ દરમિયાન પ્રાસંગિક વક્તવ્ય રજુ કરતા કલેકટર શ્રી મહેશ પટેલે ઉપસ્થિત ખેડૂતોને વિવિધ યોજનાઓનો લાભ લઇ વિકાસ સાધવાનું આહવાન કર્યું હતું. તો આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઈ ચૌધરીએ અન્ન એ જ જીવન છે તેમ સ્પષ્ટ કરતા શ્રી અન્નનો મહિમા વર્ણવ્યો હતો.
કૃષિ તજજ્ઞો સર્વશ્રી ડો.જે.જે.પસ્તાગિયા, ડો.પી.પી.જાવિયા, ડો.સંદિપ અકલાડે કૃષિની સૂક્ષ્મ જાણકારી પુરી પાડી હતી. તો સફળ કૃષિકારોએ તેમની સફળતા વર્ણવી હતી.
દરમિયાન જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે મુખ્ય સ્ટેજ ઉપરથી પ્રગતિશીલ ખેડૂતોના સન્માન સહિત જુદી જુદી ખેડૂતલક્ષી યોજનાઓના લાભાર્થીઓને સાધન/સહાયનું વિતરણ કરાયુ હતું. તાલુકા/જિલ્લા કક્ષાના ‘બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ’ સહિત સિંચાઈ અને બેંકના લાભાર્થીઓને પણ લાભાન્વિત કરાયા હતા.
ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લાના કુલ ૫૭ હજાર ૮૪૩ હેક્ટર ખેડાણલાયક વિસ્તાર પૈકી ૧૨ હજાર ૨૨૫ હેક્ટર વિસ્તારમાં પિયતનો લાભ મળી રહ્યો છે. આ માટે ૧૯૦૦ જેટલા હેક્ટરમાં કુવા, ૧૨૫ હેક્ટરમાં બોર, ૯૫૦૦ હેક્ટરમાં નદી/નાળા અને ૭૦૦ હેક્ટરમાં ચેકડેમ/તળાવથી પિયત ખેતી કરવામાં આવી રહી છે.
ખેડૂત ખાતેદારોની વાત કરીએ તો અહીં ૧૭૨૧ સીમાંત ખેડૂત, ૫૨૪૯ નાના ખેડૂત, ૫૬૦૩ મોટા ખેડૂત મળી કુલ ૧૨ હજાર ૫૭૩ ખેડૂત ખાતેદારો નોંધાયા છે. જેમને ખેડૂત કલ્યાણકારી અનેકવિધ યોજનાઓનો લાભ પૂરો પાડી, તેમની આવક વધારવાના સ્તુત્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ખેતીવાડી ખાતા દ્વારા ડાંગના ખેડૂતોને છેલ્લા પાંચ વર્ષ દરમિયાન જુદી જુદી યોજનાઓ અંતર્ગત કુલ રૂ.૧૮૨૮.૪૦ લાખની સહાય ચૂકવવામાં આવી છે. જ્યારે બાગાયત ખાતા દ્વારા છેલ્લા પાંચ વર્ષોમાં રૂ. ૧૨૩૪.૧૯ લાખની સહાય પૂરી પાડવામાં આવી છે.
જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની વાત કરીએ તો કુલ ૩૩ હજાર ૯૪૪ ખેડૂતોને આજ દિન સુધી કુલ રૂ. ૭૭ કરોડ, ૧૦ લાખ, ૪૪ હજારની ચુકવણી કરવામાં આવી છે. પ્રાકૃતિક જિલ્લા તરીકેનું બિરુદ પ્રાપ્ત ડાંગ જિલ્લામાં ‘આત્મા’ પ્રોજેક્ટ દ્વારા સને ૨૦૨૩-૨૪ માં કુલ ૩૦૧ તાલીમ વર્ગમાં ૧૨ હજાર ૪૧ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ પૂરી પાડવામાં આવી છે.
પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવાના ઉદ્દેશ્ય સાથે ડાંગ જિલ્લામાં ગાય નિભાવ ખર્ચ પેટે સને ૨૦૨૨-૨૩ દરમિયાન માર્ચ ૨૩ સુધીમાં કુલ ૩૦૨૮ પશુપાલકોને રૂ. ૩૩૨.૮૫ લાખની સહાય આપવામાં આવી છે. તો સંપૂર્ણ રસાયણ મુક્ત ખેતી માટેની સહાય યોજના અંતર્ગત સને ૨૦૨૧-૨૨ ના પ્રથમ વર્ષમાં ૧૩ હજાર ૪૮૦ ખેડૂતોને કુલ રૂ. ૭૬૦.૪૪ લાખની સહાય ચૂકવવામાં આવી છે. તો સંપૂર્ણ રસાયણમુક્ત ખેતી માટેની સહાય યોજના અંતર્ગત સને ૨૦૨૧/૨૨ના પ્રથમ વર્ષમાં ૧૩ હજાર ૪૮૦ ખેડૂતોને કુલ રૂ. ૭૬૦.૪૪ લાખની સહાય ચુકવવામાં આવી છે.
આ ઉપરાંત જિલ્લાના ખેડૂતો માટે કિસાન પરિવહન યોજના, ખેડૂતોને મલ્ટીપર્પઝ હેતુ માટે ડ્રમ તેમજ પ્લાસ્ટિકના ટોકર આપવાની યોજના, AGR ૧૪ અને AGR ૫૦ યોજના સહિતની I.khedut પોર્ટલ ઉપર ઉપલબ્ધ શ્રેણીબદ્ધ યોજનાઓનો લાભ લઈને, જિલ્લાના ખેડૂત પરિવારોનો આર્થિક અને સામાજિક ઉત્કર્ષ થવા પામ્યો છે.
ડાંગ સ્વરાજ આશ્રમ-આહવા ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના ‘રવિ કૃષિ મહોત્સવ’ દરમિયાન તજજ્ઞનોનું માર્ગદર્શન, સફળ ખેડૂતોના અભિપ્રાયો, લાભાર્થીઓના પ્રતિભાવો, FPO ની કાર્યપદ્ધતિ સહિત કૃષિ વિષયક ફિલ્મનું નિદર્શન કરાયું હતું. સાથે રાજ્યકક્ષાના કાર્યક્રમનું પણ અહીં જીવંત પ્રસારણ રજૂ કરાયું હતું. મહાનુભાવોએ ડાંગ સ્વરાજ આશ્રમ પરિસરમાં આયોજિત પ્રદર્શન સ્ટોલ્સની પણ મૂલાકાત લીધી હતી.
કાર્યક્રમમાં આહવાના સરપંચ શ્રી હરિચંદ ભોયે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.એમ.ડામોર, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણીયા, નિવાસી અધિક કલેકટર શ્રી એસ.બી.તબિયાર સહિત તાલુકા જિલ્લાના અધિકારીઓ/પદાધિકારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું આયોજન-વ્યવસ્થા પ્રાંત અધિકારી શ્રી પ્રિતેશ પટેલ, અને જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી હર્ષદ પટેલ તથા તેમની ટીમે સંભાળી હતી. કાર્યક્રમના પ્રારંભે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી, કાર્યક્રમની રૂપરેખા વર્ણવી હતી. જ્યારે કાર્યક્રમના અંતે તાલુકા અમલીકરણ અધિકારીશ્રીએ આભારવિધિ આટોપી હતી.
દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.એમ.ડામોરે જિલ્લામાં સફળતાપૂર્વક પરિભ્રમણ કરી રહેલી ‘વિકસિત ભારત સંકલ્પ યોજના’ ની જાણકારી આપી, ગ્રામ્ય કક્ષાએ યાત્રામાં સહભાગી થઈ, વ્યક્તિગત સને સામુહિક યોજનાઓની જાણકારી મેળવી તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.








