
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
નવજાગરણના આ કામ વિશે રાજ્યના ખેડૂતો તેમજ સામાન્ય નાગરિકોમાં જાગૃતિ પ્રસારિત કરવા વિવિધ માધ્યમોના પ્રતિનિધિઓને અપીલ કરતાં રાજ્યપાલશ્રી :
રાજભવન ખાતે પ્રાકૃતિક કૃષિ વિષય પર પરિસંવાદમાં ઉપસ્થિત માધ્યમોના તંત્રીઓ-પ્રતિનિધિઓ સહિત જિલ્લાઓમાં વિડીયો કોન્ફ્રન્સના માધ્યમથી જોડાયેલા મીડિયાકર્મીઓને સંબોધિત કરતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત :
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિ સાથે જોડાવું એ સમયની જરૂરિયાત છે. વધતાં જતાં ગ્લોબલ વોર્મિંગની નકારાત્મક અસરો, ઘટી રહેલાં કૃષિ ઉત્પાદન, તેમજ સ્વાસ્થ્યપ્રદ જીવન માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર અસરકારક ઉપાય છે.
રાજ્યમાં પ્રાકૃતિક ખેતી અપનાવનારા ખેડૂતોની સંખ્યામાં થયેલી વૃદ્ધિ વિશે વિગતો આપતાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, છેલ્લાં ચાર વર્ષ દરમિયાન રાજ્યમાં ૭.૧૩ લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. જ્યારે માત્ર છેલ્લા ત્રણ માસમાં ૧૦.૩૯ લાખ ખેડૂતોને તાલીમ આપવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે આઝાદીનાં ૭૫ વર્ષના અનુસંધાને આયોજિત ખેડૂત સંમેલનમાં વડાપ્રધાનશ્રીએ દેશની પ્રત્યેક ગ્રામ પંચાયતમાં ઓછામા ઓછા ૭૫ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા આહ્વાન કર્યું હતું. પરિણામસ્વરૂપ, આજે ગુજરાતની ૫૨૩૩ ગ્રામ પંચાયતોમાં ૭૫ કે તેથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે. જેમાં બીજી ૩૬૭૯ જેટલી પંચાયતો આગામી એકાદ માસમાં ઉમેરો થવાની સંભાવના છે.
રાજ્યપાલશ્રીએ આ એક સામૂહિક પ્રયાસ છે. ત્યારે નવજાગરણના આ કામમાં જોડાઈને, રાજ્યના ખેડૂતોમાં તેમજ સામાન્ય નાગરિકોમાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ પ્રસારિત કરવા વિવિધ માધ્યમોના પ્રતિનિધિઓને અપીલ કરી હતી.
રાજભવન ખાતે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રીના અગ્રસચિવ શ્રી રાજેશ માંજુ, મુખ્યમંત્રીશ્રીના સચિવ સુશ્રી અવંતિકા સિંઘ, માહિતી નિયામક શ્રી ધીરજ પારેખ, આત્મા પ્રોજેક્ટના ખાસ ફરજ પરના અધિકારી શ્રી દિનેશ પટેલ તેમજ વિવિધ પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક તથા રેડિયો અને સરકારી માધ્યમોના તંત્રીઓ, પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
સાથે જ કાર્યક્રમના બીજે છેડે વિવિધ જિલ્લાઓની જેમ ડાંગ જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં અધિક નિવાસી કલેક્ટર શ્રી શિવાજી તબીયાડ, ચીટનીશ ટુ કલેક્ટર-વ-ડિઝાસ્ટર મામલતદાર શ્રી અર્જુનસિંહજી ચાવડા, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી સંજયભાઇ ભગરીયા, ડાંગ જિલ્લા પંચાયતન ખેતીવાડી અધિકારી શ્રી હર્ષદ પટેલ, તેમજ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનીક મિડીયાના સ્થાનિક પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.








