
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં થોડાક અરસાથી દીપડાઓની ચહલ પહલ વધી ગઈ છે.સાથે માનવી પર પણ હુમલાઓ નોંધાઈ રહ્યા છે.ગતરોજ રાત્રીનાં અરસામાં નાનાપાડાથી આહવા જતા આંતરીક માર્ગમાં કિલાઈબારી વિસ્તારમાં કદાવર દીપડો દેખાતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.તો બીજી તરફ આહવા તાલુકાનાં ગાઢવીહીર-કડમાળ ગામ નજીક પરિવારથી છૂટુ પડેલુ દીપડાનું બચ્ચુ મળી આવ્યુ હતુ.જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
ડાંગ જિલ્લાનાં ઉત્તર વનવિભાગમાં સમાવિષ્ટ પીપલાઈદેવી રેંજમાં લાગુ ગાઢવીહીર-કડમાળ ગામ નજીક આજરોજ પરિવારથી વિખૂટુ પડેલ દીપડાનું બચ્ચુ મળી આવ્યુ હતુ.અહી પરિવારથી છૂટુ પડેલ દીપડાનું બચ્ચુ મળી આવતાની વાત આસપાસનાં પંથકમાં ફેલાતા આ બચ્ચાને જોવા માટે લોકોનાં ટોળા ઉમટી પડ્યા હતા.આ બચ્ચા સાથે લોકોએ સેલ્ફી પણ લીધી હતી.જોકે સ્થાનિકોએ અગમચેતીનાં પગલા લઈ તુરંત જ આ દીપડાનાં બચ્ચાને નજીકનાં જંગલ વિસ્તારમાં છોડી મુક્યુ હતુ.ત્યારે માતા અને પરિવાર પાસેથી વિખૂટુ પડેલ બચ્ચાને માતા શોધી લેશે કે કેમ તેના પર પણ સવાલો ઉભા થવા પામ્યા હતા..





