
આપણે ત્યાં નાગરિક સમુદાય સજ્જડ રીતે હજુ ઊભો થઈ શક્યો નથી. કેમકે સમાજ વર્ણવ્યવસ્થા અને તે હેઠળ જુદી જુદી જ્ઞાતિઓમાં વહેંચાઈ ગયેલો છે. કોઈ પણ સમાજ પોતાના ઉત્કર્ષ માટે સંગઠન કરે તો તે સારી બાબત છે. સમાજને કનડતી સમસ્યાઓ સમાજ સામૂહિક રીતે મુકાબલો કરે તે જરુરી પણ છે. લોકશાહીમાં જ્ઞાતિ સમાજો એક દાબ-જૂથ તરીકે કામ કરે છે. કોઈ પણ સમાજ સંગઠિત બની રચનાત્મક કામ કરે તે આવકારદાયક છે.
કોઈપણ સમાજના નેતાઓનું બારીકાઈપૂર્વક નિરીક્ષણ કરો તો એક ખાસિયત દેખાશે કે સમાજના આગેવાનો પોતાના સમાજને પ્રતિબદ્ધ હોતા નથી; પરંતુ સત્તાપક્ષને પ્રતિબદ્ધ હોય છે ! સમાજના નેતાઓને પોતાના સમાજ કરતા સત્તાપક્ષ વહાલો લાગે છે. તેમાં તેમનો સ્વાર્થ હોય છે. સત્તાપક્ષની પગચંપી કરવાથી સમાજ-નેતાઓનો આર્થિક વિકાસ તેજ ગતિએ થતો હોય છે. ઉપરાંત ગમે તે રસ્તે આર્થિક રીતે સદ્ધર બનેલ વ્યક્તિઓ જ સમાજની આગેવાની કરતા હોય છે. આ કડવું સત્ય છે.
સત્તાપક્ષ સમાજ-નેતાઓને કઈ હદે માંયકાંગલા કરી મૂક્યા છે તેનું ઉદાહરણ જોઈએ. પાટણમાં ‘બેતાલીસ લેઉવા પાટીદાર સમાજ’ પાસે પોતાનું આધુનિક બિલ્ડિંગ છે. ‘ખોડાભા હોલ’ છે. પરંતુ આ હોલ પેતાના જ સમાજના ‘યુવા મંડળ’ને/ ‘મહિલા સંગઠન’ને આપવાનો ઈન્કાર કરવામાં આવે છે. આ હોલમાં સત્તાપક્ષના અન્ય જ્ઞાતિના આગેવાનની ચૂંટણી સભા થઈ શકે છે, પરંતુ પોતાના સમાજના ઉપયોગ માટે હોલ અપાતો નથી ! આનું કારણ શું છે? પાટણના ધારાસભ્ય પાટીદાર છે પણ કોંગ્રેસના છે એટલે હોલ અપાતો નથી ! જો હોલ આપે અને તે કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય હાજર રહે તો સત્તાપક્ષના ગાંધીનગર/દિલ્હીના ગોડસેવાદીઓ નારાજ થઈ જાય ! કેટલી ચાપલૂસી?
22 મે 2023ના રોજ ‘બેતાલીસ લેઉવા પાટીદાર મહિલા સંગઠન’ દ્વારા પ્રી-વેડિંગ ફોટોશૂટ/ હલ્દીરસમ/ રીસેપ્શન/ બેબી શાવર જેવા કુરિવાજોને તિલાંજલિ આપવા સંમેલન યોજાયું હતું, આ ઉમદા કાર્ય માટે પણ સમાજની માલિકીનો ‘ખોડાભા હોલ’ આપવાનો ઈન્કાર કર્યો હતો !
મહિલાઓના ગર્ભાશયના કેન્સર વધી રહ્યા છે તેથી તેને રોકવા માટે ‘પાટીદાર યુવા મંડળ’ તથા ‘પાટીદાર મહિલા સંગઠન’ દ્વારા આગામી 19 મે 2024ના રોજ ‘ખોડાભા હોલ’ ખાતે ‘મેગા સર્વાઈકલ (ગર્ભાશયનું મુખ)ના કેન્સર પ્રતિરોધક રસીકરણ અને સ્ક્રિનિંગ કેમ્પ’નું આયોજન સવારના 8 થી સાંજના 6 સુધી કરેલ હતું. આ કેમ્પમાં 550 દિકરીઓ જેની ઉંમર 9 થી 14 વર્ષની છે તેમને સર્વાઇકલ વેક્સિન આપવાની તથા 2300 બહેનો જેમની ઉંમર 25 થી 65 વર્ષની છે તેમનો ગર્ભાશય કેન્સરનો ટેસ્ટ કરાવવાનું આયોજન હતું. રસી/ સ્ક્રિનિંગ તથા બપોરે ભાગ લેનાર બહેનોના ભોજનની વ્યવસ્થા માટે સમાજના દાતાઓએ ડોનેશન આપેલ. ‘પાટીદાર યુવા મંડળે’ ‘ખોડાભા હોલ’ના બુકિંગ માટે 4 પત્રો લખ્યા. છતાં જવાબ ન મળ્યો. પરંતુ સમાજનું આ રચનાત્મક અને ખૂબ જ ઉપયોગી કાર્ય પણ સમાજ-નેતાઓને ખૂંચ્યું ! તેમણે પત્રનો જવાબ આપવાને બદલે અખબારમાં ‘જાહેર ચેતવણી’ આપી કે “19 મે 2024ના રોજ ‘બેતાલીસ લેઉવા પાટીદાર યુવા મંડળ, પાટણ’ દ્વારા ખોડાભા હોલ ખાતે મેગા સર્વાઈકલ કેમ્પનું આયોજન કરવાની પત્રિકા છપાવી જાહેરાત કરવામાં આવી રહેલ છે. આ તારીખે અમોએ આ હોલ આ સંસ્થાને આપેલ નથી, જેની જાહેર જનતાએ નોંધ લેવી.” આવી જાહેર ચેતવણી તો સેવાકાર્ય કરનાર ‘પાટીદાર યુવા મંડળ’ની બદનક્ષી જ ગણાય ! ‘પાટીદાર યુવા મંડળે’ સમાજના 9,186 સિનિયર સીટીઝન માટે ત્રણ યાત્રા વિનામૂલ્યે યોજી ‘એશિયા બુક ઓફ રેકર્ડ’ સ્થાપિત કરેલ છે. કોરોના સમયે 15 દિવસ રોજે 3500 બોટલ મોસંબી જ્યુસનું વિતરણ સમાજના અને સમાજ સિવાયના લોકોને કરેલ. યુવાનોએ સ્વયં જાગૃત બની વ્યસન મુક્તિ વર્ષની ઊજવણી કરી. જે યુવાનો રચનાત્મક કામો કરે છે તેમનું મનોબળ તોડવા ‘જાહેર ચેતવણી’ શબ્દ પ્રયોજાય તે કેટલે અંશે વ્યાજબી?
સૌથી મોટો સવાલ સમાજની ઈમારતો જો સમાજની દીકરીઓ/ મહિલાઓ માટે કામમાં ન આવે તો એ ઈમારતો ઊભી કરવાનો અર્થ શો? શું સમાજની ઈમારતો/ હોલ સત્તાપક્ષના કાર્યક્રમો માટે જ બનાવવામાં આવે છે? સમાજ-નેતાઓનું ગોડસેવાદીઓએ પરફેક્ટ ખસીકરણ કરી નાખ્યું છે; તેનું આ ઉદાહરણ નથી? સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ‘પાટીદાર યુવા મંડળે’; ‘બેતાલીસ લેઉવા પાટીદાર સમાજ’ પાટણના શ્રેષ્ઠી અને નિરમા કંપનીના માલિક કરશનભાઈ પટેલને 29 માર્ચ 2024ના રોજ પત્ર લખી આશીર્વાદ/ માર્ગદર્શન મેળવવા સમય માંગ્યો, તેમજ ખોડાભા હોલ ફાળવવા દરમિયાનગીરી કરવા વિનંતિ કરેલ. કદાચ કરસનભાઈ પટેલને પણ પોતાના સમાજની ચિંતા કરતા ગોડસેવાદીઓની વધુ ચિંતા સતાવતી હશે એટલે મળવાનો સમય જ ન આપ્યો !rs


[wptube id="1252022"]