ડાંગ:જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વઘઈ દ્વારા ૧૨ વાદ્યકારોને પોતાની કળા પ્રદર્શિત કરવા ભોપાલ મોકલાયા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
ડાંગ જિલ્લાના સ્વનિર્મિત લોક વાદ્યો રાષ્ટ્ર કક્ષાએ પ્રદર્ષિત કરાશે ડાંગ જિલ્લાના આદિવાસીઓ દ્વારા સ્વનિર્મિત પારંપરિક લોકવાદ્યોને મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ ખાતે પ્રદર્ષિત કરવામા આવનાર છે.
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-વઘઈ દ્વારા આ માટે 12 વાદ્યકારોને ભોપાલ મોકલવામાં આવ્યા છે. જેઓ તા. 16 થી 18 જાન્યુઆરી દરમ્યાન આ વાદ્યો દ્વારા પોતાની કળાને પ્રદર્ષિત કરનાર છે.
ડાંગ જિલ્લાની પ્રકૃતિ અને સંસ્કૃતિ અદ્ભુત છે. ડાંગ જિલ્લામા 96% લોકો આદિવાસી છે. આ આદિવાસી પ્રજામા ભીલ, કુનબી, અને વારલી જાતિના લોકોનો સમાવેશ થાય છે. ડાંગ જિલ્લાના લોકો આજે પણ પોતાના ઈષ્ટદેવ ડુંગરદેવ, માવલી કનસરીની પૂજા અર્ચના માટે (દેવ વાદ્ય) અથવા પિતૃઓની પારંપરિક પુજા દરમિયાન, તથા મનોરંજન અર્થે અલગ અલગ વાદ્યોનો ઉપયોગ કરે છે.
ડાંગી આદિવાસીઓ દ્વારા સ્વનિર્મિત, તેમજ હાલમા દુર્લભ બની રહેલા વાદ્યોના જતન અને સંવર્ધન માટે RIE ભોપાલ ખાતે રાષ્ટ્ર કક્ષાએ કાર્યક્રમનુ આયોજન કરવામા આવેલ છે. જેમા જિલ્લાના 12 જેટલા અલગ અલગ વાદ્યકારોની ટીમ સાથે શ્રી યોગેશભાઈ એચ.ચૌધરી ( પ્રધ્યાપક ), જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-વઘઈ, જિ. ડાંગના માર્ગદર્શન હેઠળ ભોપાલ ખાતે રવાના થયા છે.
આ વાદ્યોમા કાહળીયા, પાવરી, થાળી વાદ્ય, ઢાક જેવા વિશિષ્ટ, અને જે લુપ્ત થવાની આરે છે તેવા વાદ્યોને ભોપાલના સાંસ્કૃતિક કાર્યક્રમમા તા. 16 થી 18 જાન્યુઆરી દરમ્યાન પ્રદર્ષિત કરવામા આવનાર છે.
ભાવિ પેઢી આ સાંસ્કૃતિક વાદ્યોનુ મહત્વ સમજે તેનુ જતન, અને જાળવણી કરે, તેમજ શિક્ષણમા તેનો વિનિયોગ થાય તે માટેના પ્રયત્નો કરવામા આવી રહ્યા છે. આ વાદ્યો ઉપર પુસ્તક રચના કરવા માટે RIE ભોપાલના ડો. સુરેશભાઈ મકવાણા, તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વઘઈના પ્રાચાર્ય ડો. બી.એમ.રાઉતના માર્ગદર્શન હેઠળ ડાયેટના શ્રી યોગેશભાઈ ચૌધરી દ્વારા ડાંગની સંસ્કૃતિ પર સંશોધનાત્મક પ્રવૃત્તિ કરવામા આવી રહી છે.