
તા.27.01.2023
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
દિશા કમિટીની બેઠક સાંસદ જસવંત સિંહ ભાભોરની અધ્યક્ષતામાં યોજાઈ
વિવિધ યોજનાઓના લાભો પારદર્શકતા સાથે સામાન્ય માનવી સુધી પહોંચતા કરવા સરકાર પ્રતિબદ્ધ – સાંસદ જસવંતસિંહ ભાભોર
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે દિશા કમિટીની બેઠક સાંસદ જસવંત
સિંહ ભાભોરની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં રાજ્યમંત્રી બચુભાઇ ખાબડ સહિતના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દિશા બેઠકમાં જિલ્લામાં અમલિકૃત વિવિધ યોજનાઓની વિગતે સમીક્ષા કરાઈ હતી.
સાંસદ ભાભોરે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરીગ કમિટીની બેઠકમાં સરકારની વિવિધ જનકલ્યાણલક્ષી યોજનાઓની સમીક્ષા કરતા જણાવ્યું કે, સામાન્ય નાગરિકોને સરકારમાં દ્રઢ વિશ્વાસ છે ત્યારે એક પણ ગરીબ વ્યક્તિ સરકારી યોજનાઓના લાભથી વંચીત ન રહે એ આપણી ફરજ છે. આ યોજનાઓના લાભો ઝડપથી, સરળતા અને પારદર્શકતા સાથે સામાન્ય માનવી સુધી પહોંચતા કરવા સરકાર પ્રતિબદ્ધ છે.
રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડે પણ સામાન્ય માનવી સુધી સરકારની વિવિધ યોજનાઓના લાભો સત્વરે પહોંચતા કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવી જિલ્લાના ગરીબ નાગરિકોને સરકારની ફ્લેગશીપ યોજનાઓ સહિતની વિવિધ યોજનાઓના લાભો મળી રહે એ માટે સુદ્રઢ આયોજન અને અમલીકરણ થઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું.
બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, વૃદ્ધ સહાય યોજનાઓ, ગંગા સ્વરૂપ સહાય યોજના, આયુષ્યમાંન ભારત યોજના, મધ્યાહન ભોજન યોજના, પોષણ યોજના સહિતની વિવિધ યોજનાઓ તેમજ સ્માર્ટ સીટી અંતર્ગત વિવિધ પ્રોજેક્ટોની ડિસેમ્બર ૨૦૨૨ સુધીની કામગીરીની સમિક્ષા કરાઈ હતી અને અમલીકરણ અધિકારીઓને જરૂરી સૂચનો કરાયા હતા.
બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન, ધારાસભ્ય સર્વ શૈલેષભાઈ ભાભોર, કનૈયાલાલ કિશોરી, મહેશભાઈ ભુરિયા, મહેન્દ્ર ભાઈ, નગરપાલિકા પ્રમુખ રીનાબેન તેમજ કલેકટર ડો. હર્ષિત ગોસાવી, ડીડીઓ નેહા કુમારી અને વિવિધ યોજનાઓના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦








