
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી
આથી નવસારી તથા ડાંગ જિલ્લાનાં તમામ પક્ષકારો, વકીલશ્રીઓ તથા જાહેર જનતાને જણાવવાનું કે, તા. ૧૧/૦૨/૨૦૨૩ શનિવારના રોજ નામદાર ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, હાઈકોર્ટ
ઓફ ગુજરાત, અમદાવાદના માર્ગદર્શન હેઠળ નવસારી તથા ડાંગ જિલ્લાની તેમજ તાલુકાની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક-અદાલતનુ આયોજન કરવામાં આવ્યું છે.
આ રાષ્ટ્રીય લોકઅદાલતમાં જિલ્લાકક્ષાએથી લઈને તાલુકાકક્ષા સુધીની તમામ અદાલતોમાં સમાધાનથી નિકાલ કરવા વિવિધ કેસો મુકી શકાશે. સદર રાષ્ટ્રીય લોક અદાલતનો લાભ મહત્તમ પક્ષકારો લઈ શકે તે માટે ગુજરાત રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ ના મુખ્ય સંરક્ષક જસ્ટિસ શ્રી અરવિંદકુમાર તથા ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ ના કારોબારી અધ્યક્ષ સુશ્રી સોનિયા ગોકાણી દ્વારા તમામ કાનૂની સેવા સત્તા મંડળ તથા કાનૂની સેવા સમિતિને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
આ લોક અદાલતમાં રાજ્ય ના કોઈપણ જિલ્લા, તાલુકા, ટ્રિબ્યુનલ કે હાઇકોર્ટમાં પડતર કેસ કે જેમાં મોટર અકસ્માત ના વળતરના કેસ, દીવાની દાવા, ચેક પરત ને લાગતા કેસો, જમીન સંપાદન ને લગતા કેસ, કામદાર તથા માલિકને લગતી તકરાર, માત્ર દંડથી શિક્ષાપાત્ર કેસો તથા તમામ પ્રકારના સમાધાન લાયક કેસો સમાધાન માટે મૂકી શકાય છે. આ અવસર નો લાભ લેવા નજીક તાલુકા કે જિલ્લા કે હાઈકોર્ટમાં કાનૂની સેવા સત્તા મંડળની ઓફિસનો સંપર્ક કરવો. અથવા ટોલ ફ્રી નંબર ૧૫૧૦૦ પર સંપર્ક કરવો અથવા રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ ની વેબસાઇટ પર સંપર્ક કરવા જણાવાયું છે.





