
16 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન શ્રી કે. કે. ગોઠી હાઈસ્કૂલ અને સ્વસ્તિક ઉ. મા. શાળા, પાલનપુરમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓના દીક્ષાંત સમારોહ તથા આ સંસ્થામાંથી વય નિવૃતિ લઈ રહેલા કર્મચારીઓના વિદાય શુભેચ્છા સમારોહનું આયોજન કરવામાં આવ્યું.આ સંસ્થાના પ્રમુખ રમેશભાઈ પટેલ, મંડળના કારોબારી સદસ્યો, શાળાના આચાર્ય મણીલાલ એ. સુથાર, નિયામક મહેન્દ્રભાઈ એચ.પંચાલ, તમામ વિભાગના આચાર્ય, સુપરવાઈઝર, નિવૃત થનાર કર્મચારીઓએ દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમની શરૂઆત કરી હતી.શાળાની બાળાઓએ ધોરણ 10 અને 12 ના વિદાય લઈ રહેલા વિદ્યાર્થી ભાઈ-બહેનોને કંકુ તિલક કરી મોં મીઠું કરાવ્યુ હતું. આ પ્રસંગે મંડળના પ્રમુખ રમેશભાઈ પટેલે ધોરણ- 10 અને 12ના વિદ્યાર્થીઓ ભયમુક્ત બની બોર્ડની પરીક્ષા આપી જ્વલંત પરિણામ મેળવે અને પોતાનું એવમ સંસ્થાનું નામ રોશન કરે તેમજ વયનિવૃત્ત થઇ રહેલા કર્મચારીઓને દીર્ઘાયુ આયુષ્ય અને તંદુરસ્ત જીવન માટેની શુભેચ્છાઓ પાઠવી હતી.આ સંસ્થામાંથી વયનિવૃત્ત થનાર શિક્ષક ભાઈ-બહેનોને શાળા અને મંડળ પરિવાર તરફથી શ્રીફળ,સાકર,સાલ,મોમેન્ટો અને પ્રશસ્તિપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું.