
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લા પંચાયત તથા ત્રણેય તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની સર્વાનુમતે વરણી થતા ડાંગ ભાજપાનાં કાર્યકરોએ ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો…
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લા પંચાયત અને ત્રણેય તાલુકા પંચાયતમાં આહવા,વઘઇ અને સુબિરમાં પ્રમુખ અને ઉપપ્રમુખ તથા વિવિધ સમિતિનાં અધ્યક્ષોની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા ગતરોજ જિલ્લા પંચાયત અને ત્રણેય તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ અને ઉપપ્રમુખ પદની દાવેદારી માટે ફોર્મ ભરાયા હતા.ડાંગ જિલ્લા પંચાયત અને ત્રણેય તાલુકા પંચાયતમાં ભાજપાની સ્પષ્ટ બહુમતી હોય જેથી ડાંગ જિલ્લામાં ફરી ભગવો લહેરાયો છે.ગુજરાત પ્રદેશ ભાજપા હાઇકમાન્ડ દ્વારા ડાંગ જિલ્લા પંચાયતનાં એસટી મહિલા પ્રમુખ પદ માટે નિર્મળાબેન સુભાસભાઈ ગાઈન તથા ઉપપ્રમુખનાં પદ માટે ભરતભાઈ ભીખુભાઈ ભોયેને મેન્ડેટ આપ્યો હતો.આજરોજ ડાંગ જિલ્લા સેવા સદન-આહવા ખાતે કલેકટર મહેશભાઈ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી આર.એમ.ડામોરની અધ્યક્ષતામાં તમામે તમામ 18 સભ્યોની ઉપસ્થિત વચ્ચે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી.ડાંગ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ માટે હરીફ ઉમેદવાર તરીકે બે ઉમેદવારી પત્રો ચૂંટણી તંત્ર પાસે રજુ થયા હતા.પ્રમુખ પદ માટે નિર્મળાબેન સુભાષભાઈ ગાઈન અને નીલમબેન દિલીપભાઈ ચૌધરીએ દાવેદારી નોંધાવી હતી.અહી નિર્મળાબેન ગાઈનને 18 જિલ્લા સદસ્યો પૈકી 17 મતો મળવા પામ્યા હતા.જેથી ડાંગ જિલ્લા પંચાયતમાં સર્વાનુમતે પ્રમુખ તરીકે નિર્મળાબેન સુભાસભાઈ ગાઈનની વરણી થઈ હતી.જ્યારે નિલમબેન ચૌધરી હરીફ ઉમેદવાર હોવા છતાંય તેઓએ નિર્મળાબેન સુભાસભાઈ ગાઈનનાં તરફેણમાં આંગળી ઉંચી કરી ટેકો આપતા વિવાદ શાંત જણાયો હતો.જ્યારે ડાંગ જિલ્લા પંચાયતમાં ઉપપ્રમુખ તરીકે બિનહરીફ ઉમેદવાર ભરતભાઇ ભોયેની વરણી થવા પામી છે.તેવીજ રીતે ડાંગ જિલ્લાનાં આહવા તાલુકા પંચાયતમાં પણ તાલુકા વિકાસ અધિકારી તથા તાલુકા સદસ્યોની ઉપસ્થિતમાં પ્રમુખ તરીકે સુરેશભાઈ એમ. ચૌધરી તથા ઉપપ્રમુખ તરીકે કમલેશભાઈ વાઘમારેની બિનહરીફ વરણી થઈ હતી..ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે ચંદરભાઈ એમ.ગાવીત અને ઉપપ્રમુખ તરીકે વનિતાબેન કૈલાસભાઈ ભોયેની સર્વાનુમતે બિનહરીફ વરણી થઈ હતી.જ્યારે સુબિર તાલુકા પંચાયતમાં પણ પ્રમુખ તરીકે રવીનાબેન એસ.ગાવીત તથા ઉપપ્રમુખ તરીકે રઘુનાથ સાવળેની સર્વાનુમતે બિનહરીફ વરણી થઈ હતી.ડાંગ જિલ્લા પંચાયત અને ત્રણેય તાલુકા પંચાયતમાં ફરીવાર ભાજપાનો ભગવો લહેરાતા ભાજપાનાં કાર્યકરોએ મોઢું મીઠુ કરી ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો હતો.ડાંગ જિલ્લામાં અઢી વર્ષનાં ટર્મ માટે જિલ્લા પંચાયત અને ત્રણેય તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની નિર્વિદન રીતે સર્વાનુમતે વરણી થતા ગુજરાત વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય વિજયભાઈ પટેલ,ડાંગ જિલ્લા ભાજપા સંગઠનનાં પ્રભારી રાજેશભાઈ દેસાઈ,ડાંગ જિલ્લા ભાજપા સંગઠનનાં પ્રમુખ કિશોરભાઈ ગાવીત તથા સંગઠનનાં મહામંત્રીઓમાં હરિરામભાઈ સાંવત,રાજેશભાઈ ગામીત,તથા દિનેશભાઈ ભોયેનાઓએ નવા વરણી પામેલ પ્રમુખો તથા ઉપપ્રમુખોને શુભેચ્છા પાઠવી હતી.હવે આવનાર દિવસોમાં જિલ્લા પંચાયત તથા ત્રણેય તાલુકા પંચાયતમાં વિવિધ સમિતિઓ કોના ફાળે જશે તેના પર સૌ કોઈની મીટ મંડાઈ છે..





