
તા.૧૩/૧૦/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના “સ્વચ્છતા હી સેવા”ના સૂત્રને અપનાવીને, સૌરાષ્ટ્ર ઝોનની નગરપાલિકાઓમાં માર્ગો, શાળાઓ, સરકારી ઈમારતોથી લઈને ઐતિહાસિક વારસા સમી ઈમારતો સહિતના સ્થળોએ પૂરજોશમાં સઘન સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. આ સાથે આ અભિયાનમાં જનભાગીદારી પણ વધી રહી છે.

સૌરાષ્ટ્ર ઝોનની નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનરશ્રી ધીમંત વ્યાસના માર્ગદર્શનમાં હાલ ૩૧ પાલિકાઓમાં સઘન સ્વચ્છતા અભિયાન શરૂ થયું છે. ગતરોજ ઓખામાં નગર સેવા સદનમાં સઘન સ્વચ્છતા હાથ ધરીને કચેરીને એકદમ સુઘડ-સુંદર બનાવવામાં આવી હતી. જેમાં સફાઈ કર્મચારીઓ સાથે ઓખા નગર સેવા સદનના મુખ્ય અધિકારી ઉપરાંત વિવિધ શાખાના વડાઓ, કર્મચારીઓ તેમજ સેવાસદનની મુલાકાતે આવનારા નાગરિકો પણ જોડાયા હતા.

દ્વારકા નગરપાલિકામાં જાહેર માર્ગો ઉપરાંત કેન્દ્રીય વિદ્યાલય ખાતે સઘન સ્વચ્છતા કરવામાં આવી હતી. આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારો, ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ વગેરે પણ આવરી લેવાશે.

કુતિયાણા પાલિકામાં તાલુકા શાળામાં સ્વચ્છતા હાથ ધરીને સ્વચ્છ ભારતનો સંદેશો આપવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ અન્ય સ્થળોએ થયેલી સફાઈ ઝુંબેશમાં અન્ય સ્ટાફ પણ જોડાયો હતો. જ્યારે રાણાવાવ પાલિકા વિસ્તારમાં વિવિધ જાહેર સ્થળોને સ્વચ્છ બનાવાયા હતા.
જ્યારે જેતપુર નગરપાલિકામાં ગોંડલ દરવાજા, ઓવરબ્રિજ સહિતના વિસ્તારોમાં સઘન સફાઈ અંતર્ગત ધૂળ સહિતનો કચરો દૂર કરીને સ્વચ્છતા કરવામાં આવી હતી.
આગામી દિવસોમાં પણ પાલિકાઓના વિવિધ વોર્ડ, વિસ્તારો, તેમજ ઈમારતોમાં સ્વચ્છતા અભિયાન જારી રહેશે તેમ નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનરશ્રી ધીમંત વ્યાસે ઉમેર્યું હતું.








