
હરિયાણાના મેવાત જીલ્લાના નૂહમાં સોમવારે ફાટી નીકળેલા કોમી રમખાણની ભૂમિકા એક દિવસ પહેલા તૈયાર થઇ ગઈ હતી. આ સમગ્ર વિવાદ મોનુ માનેસર નામના શખ્સના નિવેદનને કારણે શરુ થયો હોવાના અહેવાલ છે. મોનુ માનેસર ગુરુગ્રામના માનેસરનો રહેવાસી છે. 28 વર્ષના મોનુનું સાચું નામ મોહિત યાદવ છે. તે બજરંગ દળ સાથે સંકળાયેલો છે અને ગૌ રક્ષક તરીકે કામ કરે છે.
થોડા મહિના પહેલા રાજસ્થાનના ભરતપુરના રહેવાસી જુનૈદ-નાસીરના મૃતદેહ ભિવાની પાસે સળગી ગયેલી કારમાંથી મળી આવ્યા હતા. મોનુ માનેસર જુનૈદ-નાસિર હત્યા કેસમાં મુખ્ય આરોપી છે. નૂહમાં યાત્રા નીકળવાની હતી એ પહેલા સોશિયલ મીડિયા પર મોનુ માનેસરે એક નિવેદન પોસ્ટ કર્યું હતું. આ નિવેદન બાદ નૂહમાં કોમી તણાવનો માહોલ ઉભો થયો હતો. આરોપી મોનુ માનેસર મેવાત આવવાના સમાચાર ફેલાતા જ બંને પક્ષોએ સોશિયલ મીડિયા પર એકબીજાને ધમકીઓ આપવાનું શરૂ કર્યું. વીડિયો જોયા બાદ રાજસ્થાનના ભરતપુર પોલીસની ટીમ મોનુને પકડવા નૂહ પહોંચી હતી, પરંતુ મોનુ માનેસર યાત્રામાં આવ્યો જ ન હતો.
મોનુ માનેસર સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. ફેસબુક પર તેના લગભગ 83 હજાર અને યુટ્યુબ પર 2 લાખથી વધુ ફોલોઅર્સ છે. તે અવારનવાર વિવાદોમાં રહે છે. તેના ઘણા વિવાદાસ્પદ નિવેદનો પણ સામે આવ્યા છે. તે લોકોને માર મારતો વીડિયો સોશિયલ મીડિયા પર મૂકે છે. ખતરનાક હથિયારો સાથે તેના ઘણા ફોટા છે. તેના પોલીસ અધિકારીઓ સાથે નજીકના સંબંધ હોવાના પણ અહેવાલ છે. અગાઉ મોનુ પર ગાયની તસ્કરી સાથે સંકળાયેલા વારિસ નામના વ્યક્તિને માર મારવાનો આરોપ હતો, જેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
મોનુના નિવેદનના જવાબમાં લઘુમતી સમુદાયના લોકોએ વિરોધ કર્યો અને મોનુ માનેસરને પરિણામ ભોગવવાની ચેતવણી આપી હતી. આ પહેલા ફિરોઝપુર ઝિરકાના વિધાન સભ્ય માંમન ખાન એન્જિનિયરે પણ વિધાનસભામાં નિવેદન આપ્યું હતું કે મોનુ માનેસર ડુંગળીની જેમ ફોડી દેશે.
સુત્રોના જણાવ્યા મુજબ યાત્રાના માર્ગમાં ત્રણ સ્થળોએ એક હજાર જેટલા પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. આમ છતાં હિંસા ચાલુ રહી. પોલીસે જણાવ્યું કે યુવકોના એક જૂથે લગભગ પાંચ કિલોમીટર દૂર સરઘસને રોકી દીધું, ત્યારબાદ અથડામણ શરૂ થઈ. આ અથડામણ થોડી જ વારમાં પથ્થરમારામાં ફેરવાઈ ગઈ. આગચંપી પણ થવા લાગી.
પોલીસ અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું કે મોનુ માનેસરની યાત્રામાં ભાગ લેવાના સમાચારના કારણે જ જૂથના લોકો આમને સામને આવી ગયા હતા. હિંસામાં 50 થી 60 લોકો ઘાયલ થયા છે. 80 થી 90 વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી.










