જર્મનીના બર્લિનના સ્પેશ્યલ ઓલમ્પિકમાં હિંમતનગરનો મનોદિવ્યાંગ પોતાનું હિર પાથળશે


જર્મનીના બર્લિનના સ્પેશ્યલ ઓલમ્પિકમાં હિંમતનગરનો મનોદિવ્યાંગ પોતાનું હિર પાથળશે
****
આંતરાસ્ટ્રીય સ્તરે દેશ માટે પ્રતિનિધિત્વ કરી દેશનું ગૌરવ વધારશે
***
જન્મતા જ દિવ્યાંગતાના આશીર્વાદ સાથે જન્મેલ બાળક કંઈક સારુ કાર્ય કરશે અને પોતાના પરીવાર સાથે દેશનું ગૌરવ બનશે તેવું સ્વપ્ને વિચારનાર ન આવે તે સ્વાભાવિક વાત છે. પરંતુ સંપૂર્ણ શારીરિક અને માનસિક સ્વસ્થ માણસને પણ હેરાન કરી દે તેવું કાર્ય કર્યુ છે હિંમતનગરના મનોદિવ્યાંગ બાળક તન્વીર ઈકબાલ હુસેને.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરનો મનોદિવ્યાંગ તન્વીર ઈકબાલ હુસેન જર્મનીના બર્લિન શહેરમાં માનસિક દિવ્યાંગ વ્યક્તિઓ માટે સ્પેશ્યલ ઓલમ્પિકસ વર્લ્ડ સમર ગેમ્સ-૨૦૨૩માં કુરેશી ફૂટ્સલ ગેમમાં સિલેક્શન થઈ ભારતની ટીમમાં જઈ રહ્યો છે. જે સમગ્ર જિલ્લા માટે ગૌરવની વાત છે.આંતરરાષ્ટ્રીય રમતમાં ભાગ લેવા જઈ રહેલ તન્વીર ઈકબાલ હુસેન હિંમતનગરમાં કાર્યરત સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા, મોતીપુરામાં અભ્યાસ તથા તાલીમ મેળવે છે.
સ્પેશ્યલ ઓલમ્પિક્સ માનસિક દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓની રમત-ગમત માટેનું આંતરરાષ્ટ્રીય ફેડરેશન છે. સ્પેશ્યલ ઓલમ્પિક્સ વિશ્વમાં માનસિક દિવ્યાંગ વ્યક્તિઓને રમત-ગમત ધ્વારા સમાજમાં તેમના પુન:સ્થાપનનું ભગીરથ કાર્ય કરી રહયુ છે.જે અંતર્ગત તારીખ ૧૭ જૂન થી ૨૫ જૂન ૨૦૨૩ સ્પેશ્યલ ઓલમ્પિકસ વર્લ્ડ સમર ગેમ્સ-૨૦૨૩નું ભવ્યથી ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. જેમાં વિશ્વના તમામ દેશો ભાગ લેશે.
આ આંતરરાષ્ટ્રીય રમતોમાં ૨૦૨ એથ્લેટીક, ૫૯ કોચ, અને ૨૪ ઓફિસિયલ, તથા અન્ય મળી ૨૮૯ વ્યક્તિનું ડેલીગેશન ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છે.તેમજ ગુજરાતમાંથી આ રમતોત્સવમાં કુલ ૧૪ એથ્લેટીક, ૧૦ કોચ છેલ્લા ૨ વર્ષના અથાગ પ્રયાસ કરીને વર્લ્ડ ગેમ માટે પસંદગી પામ્યા છે. તેઓ ગુજરાત વતી ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે.
સંપુર્ણ શારિરીક સ્વસ્થ માણસો પણ ન કરી શકે તેવું કાર્ય તન્વીરે કરી બતાવ્યું છે. જે સૌ કોઇ માટે ગૌરવની બાબત છે.આ બાળક દેશની ટીમ સાથે રમીને આંતરાસ્ટ્રીય સ્તરે દેશની યશ અને કિર્તિ વધારે તે માટે હિંમતનગરના ધારાસભ્ય શ્રી વી. ડી. ઝાલા,જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવે, સમાજ સુરક્ષા અધિકારીશ્રી એમ.એચ.પટેલ તથા સંસ્થાના પ્રમુખશ્રી નાનુભાઈ પટેલ મેનેજિંગ ટ્રસ્ટીશ્રી ડૉ.વી.એ.ગોપલાણી ઉપપ્રમુખશ્રી જસવંતલાલ શાહ, ટ્રસ્ટીશ્રી ડૉ.મહેન્દ્રભાઈ સોની, ડૉ.ભગુભાઈ પટેલ તેમજ ડૉ.નટુભાઈ પટેલ દ્વારા બાળકને વિશેષ અભિનંદન આપી શુભેચ્છા પાઠવી હતી.
રિપોર્ટ જયંતિ પરમાર સાબરકાંઠા



