નવસારી મીડિયા સેન્ટર અને ઈલેકટ્રોનિક મીડિયા મોનિટરીંગ સેન્ટર ની મુલાકાત લેતા જનરલ નિરીક્ષકશ્રી બી.બી.કાવેરી (IAS)

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત આજરોજ ૨૫ નવસારી સંસદીય મત વિસ્તાર માટે નિમાયેલા જનરલ નિરીક્ષક શ્રીમતી બી.બી.કાવેરી (IAS) એ નવસારી જિલ્લા કલેકટર કચેરી ખાતે કાર્યરત મિડીયા સેન્ટર અને Electronic Media Monitoring Center (EMMC) ની મુલાકાત લઈ પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા મોનિટરીંગની થઇ રહેલી કામગીરીની વિગતો મેળવીને જરૂરી સૂચનો કર્યા હતા.
જનરલ નિરીક્ષકશ્રીએ સ્થાનિક સમાચાર ચેનલોના કરવામાં આવતા મોનિટરીંગની જાત માહિતી મેળવીને જાહેરાતોના ભાવ તથા ખર્ચને લગતી વિગતો મેળવી હતી. આ વેળાએ મીડિયા નોડલ અધિકારી અને સહાયક માહિતી નિયામકશ્રી યજ્ઞેશ ગોસાઈએ જનરલ નિરીક્ષકશ્રીને આવકારી મીડિયા કવરેજ તથા EMMC દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિગતોથી વાકેફ કર્યા હતા.
ચૂંટણીના ઉમેદવારીપત્રો ભરાઈ ચુક્યા છે, ત્યારે ઉમેદવારો તથા પાર્ટીઓ દ્વારા જનસંચાર માધ્યમોમાં કરવામાં આવતા પ્રચાર-પ્રસારની ગતિવિધિઓ પર નજર રાખવા તેમજ જન સંચારના માધ્યમોમાં ચૂંટણીલક્ષી બાબતોના સ્કેનીંગ માટે મીડિયા સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. આ સેન્ટરમાં રાજકીય પક્ષો, ઉમેદવારો દ્વારા ન્યુઝ ચેનલો પર આપવામાં આવતી જાહેરાતો, સ્ક્રોલ અને સમાચારો તથા પેઈડ ન્યુઝ અંગે ઓડિયો-વિઝયુઅલ દ્વારા સ્કેનીંગ અને મોનિટરીંગની કામગીરી પણ કરવામાં આવી રહી છે.
મીડિયા સેન્ટરની મુલકાત દરમિયાન નાયબ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી પ્રિયંકાબેન પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ ચાવડા અને અંબિકા ડીવીઝન કાર્યપાલક ઈજનેરશ્રી રાહુલ ઉપાધ્યાય સાથે ચુંટણી શાખા અને જિલ્લા માહિતી કચેરીના કર્મચારીઓ હાજર રહ્યા હતા .









