Heart Attack : યુવાનોમાં હાર્ટ એટેકનુ વધતુ જતુ પ્રમાણ ચિંતા જનક છે.

જીનીવા સ્થિત વર્લ્ડ હાર્ટ ફેડરેશન દ્વારા વિશ્વ આરોગ્ય સંસ્થાનના સહયોગમા રહી સને ૧૯૯૯થી તારીખ ૨૯ સપ્ટેમ્બરના દિવસને “ વિશ્વ હૃદય દિન “ તરીકે ઉજવવામા આવે છે. આ ઉજવણીમા અત્યાર સુધીમા વિશ્વના ૧૦૦થી પણ વધારે દેશો સામેલ થયા છે. આ દિવસની મહત્તા કાયમ બની રહે અને તે માટેનો સંદેશ હેતુ આમ જનતા સુધી પહોંચે તે માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ગાંધીનગર હેઠળ માનદ્ સેવાઓ આપતા પારા લીગલ વોલ્યુન્ટીયરસ શ્રી અનિલ કક્કડ દ્વારા તેમને મળેલ સત્તાવાર કાર્યક્રમ મુજબ સરકારી આર્ટસ કોલેજ, ગાંધીનગર ખાતે એક સેમીનારનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
કોલેજના પ્રિન્સિપાલશ્રી, પ્રોફેસરો અને વિદ્યાર્થિઓની ઉપસ્થિતિમા મુખ્ય પ્રવક્તા શ્રી અનિલ કક્કડએ પોતાના પાવર પોઇન્ટ પ્રેઝેન્ટેસનથી આકૃતિઓ, આંકડાકીય માહિતી અને આંતરરાષ્ટ્રીયકક્ષાએ થઇ રહેલા અધ્યતન સંશોધનોની વિગતો ટાંકી હતી. હૃદય રોગ માટેના જવાબદાર ગણી શકાય તેવા પરિબળો જેવા કે હાઇ બ્લડ પ્રેસર, કોલેસ્ટેરોલ, બ્લડ સુગર, ધુમ્રપાન અને તમાકુનુ સેવન, સ્થૂલતા, કસરતનો અભાવ, સ્ટ્રેસ અને સ્ટ્રેઇન, ફાસ્ટ ફૂડ અને અસમતુલિત ખોરાકને ક્રમાનુસાર અલગ તારવી દરેક મુદ્દા ઉપર સવિસ્તર સમજુતી આપી હતી. આહાર-વિહાર, વિચાર, વ્યાયમ અને ઔષધ બાબતે જો કોઇ માણસ સાવચેતી વર્તે તો લાંબો સમય સુધી પોતાનુ રાબેતા મુજબનુ જીવન શક્ય બનાવી શકે તેમ છે.
કૌટુંબિક ઇતિહાસ ધ્યાનમાં લઇ, શારીરિક તપાસ, થોડા બ્લડ ટેસ્ટ, એક્સ-રે, ઇસીજી એ હૃદય રોગ અને હાર્ટ ફેલ્યોરના નિદાન અને સારવાર માટેની તેઓએ અસરકારક પધ્ધતિ ગણાવી હતી. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હાર્ટ એટેક આવવાના કેસ ખૂબ જ નોંધ પાત્ર રીતે વધી રહ્યા છે ત્યારે હાલના યુવાનોમા આ બાબતે જન જાગૃતિ અનિવાર્ય બની છે. જન્મજાત હૃદયરોગનાં વધતા જતા પ્રમાણ ને પણ ખાસ કિસ્સા તરીકે લઇ તે માટેના કારણો, તબિબી તપાસ અને સાવચેતી ની બાબત ઉપર પણ શ્રી કક્કડએ પુરતો સમય ફાળવ્યો હતો. આ કામગીરીને સફળ બનાવવા કોલેજના પ્રિન્સિપાલ ડૉ. અનોપા ચૌહાણ અને સીનીયર પ્રોફેસર શ્રી વનરાજ સિંહ જાડેજા તરફથી ઉત્સાહ પૂર્વક રસ દાખવી તમામ સવલતો પુરી પાડવામા આવી હતી.










