વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં ઇંટના ભઠ્ઠા ચલાવતા સંચાલકો પાસેથી બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ અને તેમના મળતીયા દ્વારા પૈસાની ઉઘરાણી કરવામાં આવતી હોય અને ફોન દ્વારા ધમકીઓ આપવામાં આવતી હોય તેવા આક્ષેપો સાથે ઈંટ ભઠ્ઠા સંચાલકે આહવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.ડાંગ જિલ્લાનાં આહવા ખાતે શિક્ષણ કોલોની નજીક આવેલ બહુજન સમાજ પાર્ટીની ઓફિસ આગળ તથા ચર્ચ પાસે શુકકરભાઇની ચાની લારી ઉપર ડાંગ જિલ્લા બહુજન સમાજ પાર્ટીનાં પ્રમુખ મહેશભાઈ ગીરધરભાઈ આહીરે ( રહે- આહવા મીશનપાડા તા.આહવા જી.ડાંગ.) તથા તેમના મળતિયા જયેશભાઇ સખારામભાઈ ગાયકવાડ (રહે.ડોન તા.આહવા જી.ડાંગ) તથા ઇશ્વરભાઇ ભોયે (પુરુ નામ ખબર નથી રહે. કીરલી તા.સુબિર જી.ડાંગ)નાઓએ આહવા તાલુકામાં ચાલતા અને યોગેશભાઇ બાબુભાઇ ખસફિયા (કુંભાર)નાં ઈંટના ભઠ્ઠાની અવાર નવાર મુલાકાત લઈ ફોટાઓ પાડી જતા હતા. ઇંટોના ભઠ્ઠા ગેરકાયદેસર છે અને બંધ કરાવી દઇશ તથા ઇંટોના ભઠ્ઠા ચાલુ રાખવા હોય તો ભઠ્ઠા દીઠ રૂપીયા.5,000/- આપવા પડશે નહી તો અમે શાંત નહી બેસીએ એવી ધમકીઓ પણ આપવામાં આવી હતી.તેમજ આ ધમકીઓ આપી ઇજા કરવાના ભયમાં મુકી બદદાનતથી દબાવી બળજબરીથી પૈસા કઢાવી લેવાના ભયમાં મુકી સુલેહ ભંગ કરવા માટે ઉશકેરાઇ ઇરાદા પુર્વક અપમાન કરી નકકી કરેલ રકમ પૈકી રૂપીયા 12,000/- બળજબરીથી કાઢી લેવામાં આવ્યા હતા.તેમજ બાકી રકમની અવાર નવાર ઉઘરાણી કરી મોબાઇલ ફોન દ્વારા ધમકી આપવામાં આવી હતી.ત્યારે સમગ્ર મામલાને લઈને ઇંટના ભઠ્ઠા સંચાલક યોગેશભાઇ બાબુભાઇ ખસફિયા (કુંભાર) એ ડાંગ જિલ્લા બહુજન સમાજ પાર્ટીનાં પ્રમુખ અને બંને મળતીયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.હાલમાં આહવા પોલીસ મથકનાં પી.એસ.આઈ એ.એચ.પટેલે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે





